Mumbai

અમરાવતીમાં ચાલુ લગ્ને સ્ટેજ પર જઇ વરરાજા પર છરાથી ઘાતક હુમલો

By GS TEAM
12 Nov 20252 mins read
અમરાવતીમાં ચાલુ લગ્ને સ્ટેજ પર જઇ વરરાજા પર છરાથી ઘાતક હુમલો

સમગ્ર ફિલ્મી ઘટના ડ્રોન કેમેરામાં શૂટ થઇ

આરોપીઓ બાઇક પર બેસી ફરાર થઇ ગયા, નવવધુ સ્ટેજ પર જ બેહોશ થઇ ગઇ

મુંબઇ: લગ્ન એટલે દરેક વ્યક્તિના જીવનનો એક અવિસ્મરણીય પ્રસંગ કહેવાય છે. જો કે અમરાવતીના બડનેરામાં બનેલી એક ઘટના નવદંપતિ સાથે જ લગ્ન સમારંભમાં જોડાયેલા તમામ લોકો માટે દુઃસ્વપ્ન સમાન બની ગઇ હતી કારણ કે ચાલુ લગ્ને બે અજાણ્યા યુવકો સ્ટેજ પર ધસી આવ્યા હતા અને વરરાજા પર છરાથી ઉપરા- છાપરી ઘા કર્યા હતા.

આ  હુમલામાં વરરાજા સુજલરામ સમુદ્રે ગંભીર ઇજા પામતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નજર સામે બનેલી આ ઘટનાથી નવવધુ સ્ટેજ પર જ બેભાન થઇ ઢળી પડી હતી.  આ સમયે આરોપીઓને પકડવા દોડેલા વરરાજાના પિતા પર પણ હુમલાખોરોએ હુમલો કર્યો હતો. આ ચોંકાવનારી ઘટના લગ્નના શૂટિંગ માટે ઉપયોગમાં લેવાતા ડ્રોન કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ ઘટના બાદ હુમલાખોરો બાઇં પર નાસી છૂટયા હતા.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર અમરાવતી જિલ્લાના બડનેરામાં સાહિલ લોનમાં મંગળવારે એક લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો. આ સમયે ચાલુ લગ્ને સ્ટેજ પર બે યુવકો ધસી આવ્યા હતા અને છરો કાઢી વરરાજા સુજલરામ પર હુમલો શરૂ કર્યો હતો આ લોકોએ સુજલરામ પર છરાના ઉપરા- છાપરી ઘા કર્યા હતા અને હાજર લોકો કાંઇ સમજે તે પહેલા જ ઘટનાસ્થળેથી બાઇખ પર બેસી ફરાર થઇ ગયા હતા. આ ઘટના જોઇ નવવધુ ડરી ગઇ હતી અને સ્ટેજ પર બેભાન થઇ ઢળી પડી હતી. આ સમગ્ર ઘટના લગ્નમાં શૂટિંગ માટે રાખેલા ડ્રોન કેમેરામાં શૂટ થઇ ગઇ હતી. સુજલરામના પિતા જ્યારે હુમલાખોરોને પકડવા ગયા ત્યારે હુમલાખોરોએ તેમના પર પણ હુમલો કર્યો હતો.

આ હુમલામાં ગંભીર ઇજા પામેલા સુજલરામને પાસેની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ બડનેરા પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે લગ્નમાં વાપરવા આવેલા ડ્રોન કેમેરાના ફૂટે જ મેળવી આરોપીઓની ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસ હાથ ધર્યા છે.