સેન્ટ્રલ રેલવે દ્વારા પ્રવાસીઓ માટે અનોખી પહેલ
પ્રવાસીઓનો સમય બચશે જ સાથે રેલવેને આવક વધશે ઃ પ્રયોગ સફળ થશે તો અન્ય સ્ટેશનો પર પણ શરૃ કરાશે
મુંબઈ - મુંબઈની સેન્ટ્રલ રેલવે મુસાફરો માટે નવી સુવિધા શરૃ કરવાની તૈયારીમાં છે. કસારા, વાશિંદ અને માનખુર્દ સ્ટેશનો પર ટૂંક સમયમાં જ ગ્રોસરી (કરિયાણા) દુકાનો શરૃ કરવામાં આવશે. આ પહેલથી મુસાફરોને દૈનિક વ્યસ્ત જીવનમાં અલગથી સમય કાઢવાની ઝંઝટ સ્ટેશન પર જ રોજિંદી જરૃરિયાતની વસ્તુઓ ખરીદવાની સગવડ મળશે.
આ પ્રયોગ મુંબઈ લોકલ નેટવર્કમાં પ્રથમવાર અમલમાં મૂકાઈ રહ્યો છે અને 'પ્રવાસ દરમિયાન જ ખરીદી'ની કલ્પનાને વાસ્તવિકતા આપવામાં આવી રહી છે. દરરોજ લાખો મુસાફરો લોકલ ટ્રેનોમાં મુસાફરી કરે છે, તેથી સ્ટેશનો પર કરિયાણું ઉપલબ્ધ કરાવવું એ પ્રવાસીઓના સમય બચત માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
રેલવે માટે આ પહેલ માત્ર મુસાફરોની સુવિધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ નોન-ફેર રેવન્યુ (ભાડા સિવાયની આવક) વધારવાનો પણ પ્રયાસ છે. સ્ટેશન પરિસરનો વ્યાવસાયિક રીતે ઉપયોગ કરીને રેલવે તંત્ર નવી આવકના સ્રોતો ઉભા કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
આ પ્રોજેક્ટ સફળ થાય તો ભવિષ્યમાં અન્ય સ્ટેશનો પર પણ આવી દુકાનો શરૃ કરવાની યોજના છે. આથી મુંબઈમાં લોકલ મુસાફરી વધુ સુવિધાજનક અને આધુનિક બનાવવા માટે રેલવેનો આ ઉપક્રમ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
રેલવેએ આ દુકાનો માટે ઈ-ઓક્શન પ્રક્રિયાની જાહેરાત કરી છે. રસ ધરાવતા ઉદ્યોગપતિઓને ભાગ લેવા આમંત્રણ અપાયું છે. પ્રયોગને સારો પ્રતિસાદ મળશે તો અન્ય સ્ટેશનો પર પણ કરિયાણાની દુકાન શરૃ કરાશે. નાના વ્યાવસાયિકોને વ્યવસાયની તકો મળશે. મિનિ વાણિજ્યિક હબ તીકે સ્ટેશનોને વિકસીત કરી શકાશે. અસુવિધા ટાળવા સ્ટોલ સ્ટેશનની બહાર ઊભા કરવામાં આવશે છે.


