કાચબો છ ફૂટ લાંબો, ૨૦૦ કિલો વજન ધરાવે છે
સ્થાનિક યુવકોએ કાચબાને બચાવ્યોઃ જરુરી તપાસ બાદ વન ખાતાએ ફરિ દરિયામાં છોડી દીધોઃ રાયગઢમાં ભાગ્યે જ આ પ્રજાતિના કાચબા દેખાય છે
મુંબઇ - હારાષ્ટ્રના રાયગડ જિલ્લાના શ્રીવર્ધન તાલુકાના બાગમાંડલાના સમુદ્ર કિનારા નજીક ગ્રીન સી ટર્ટલ પ્રજાતિનો કાચબો પહેલી જ વખત તણાઇને આવ્યો હતો. અગાઉ ક્યારેય પણ ગ્રીન સી ટર્ટલ પ્રજાતિનો કાચબો અહીંના દરિયા કિનારા નજીક જોવા નથી મળ્યો.
સ્થાનિક નાગરિકોએ આ ગ્રીન સી ટર્ટલ પ્રજાતિનો કાચબો ગયા સોમવારે દરિયા કિનારા નજીક જોયો હતો. આકાશ સુરેશ પાડળેકર નામના યુવાને અને તેના મિત્રોએ આ કાચબા વિશે મહારાષ્ટ્ર સરકારના વન વિભાગની દક્ષિણ કોંકણની ઓફિસને જાણ કરી હતી. વન વિભાગના સમુદ્રી કાચબાના નિષ્ણાત વિજ્ઞાાનીઓએ બાગમાંડલાના દરિયા કાંઠે જઇને આ કાચબાની તપાસ કરી હતી. સાથોસાથ આ કાચબો સમુદ્રમાંથી અહીં કઇ રીતે આવ્યો હશે તેની પણ તપાસ કરી હતી.
આ ગ્રીન સી ટર્ટલ દરિયાની ભારે તોફાની ભરતીમાં તણાઇને છેક બાગમાંડલાના દરિયા કિનારા સુધી આવી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન કાચબાના શરીરમાં કોઇ જ ઇજા જોવા મળી નહોતી. કાચબાની જરૃરી તબીબી તપાસ બાદ તેને ફરીથી દરિયામાં મુક્ત કરવામાં આવ્યો હતો.
વન વિભાગની મેન્ગ્રોવ શાખાના ં ઓફિસર શ્રીમતી કાંચન પવારે એવી માહિતી આપી હતી કે મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના સમુદ્રમાં કુલ પાંચ પ્રજાતિના સમુદ્રી કાચબા-કાચબી જોવા મળે છે. આ પાંચ પ્રજાતિમાં ઓલીવ રિડલે, ગ્રીન ટર્ટલ, હોક્સબીલ, લેધરબેક, લોગરહેડનો સમાવેશ થાય છે.
બાગમાંડલાના સમુદ્ર કિનારા નજીક જોવા મળેલો કાચબો ગ્રીન સી ટર્ટલ પ્રજાતિનો છે. તેનું વજન ૨૦૦ કિલો છે. મોઢાથી પૂંછડી સુધીની લંબાઇ ૧૯૦ સેન્ટીમીટર(૬ ફૂટ,૩ ઇંચ), પીઠની લંબાઇ ૬૫ સે.મી.(૨.૧૧ ફૂટ), પહોળાઇ ૬૨.૫ સે.મી.(૨ ફૂટ), પૂંછડી ૩૬ સે.મી. છે. ઉંમર લગભગ ૩૫ વર્ષની હોવાનો અંદાજ છે. સામાન્ય રીતે ગ્રીન સી ટર્ટલ પ્રજાતિનાં કાચબા-કાચબીની પ્રજોત્પતિ વય ૨૫ -૩૫ વર્ષની હોય છે. આમ તો આ ગ્રીન સી ટર્ટલ પ્રજાતિનાં કાચબા -કાચબીનું સરેરાશ આયુષ્ય ૭૦ વર્ષ હોય છે.


