ગ્રાન્ટરોડમાં ટ્રીપલ મર્ડર કેસના આરોપીને 29 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી
કચ્છી શખસે કરી કત્લેઆમ
ઈજાગ્રસ્ત ગુજરાતી મહિલા સહિત બે જણની તબિયત સુધારા પર
મુંબઈ: ગ્રાન્ટરોડમાં પાડોશી વૃધ્ધ દંપતી અને ૧૮ વર્ષીય યુવતીની ચાકૂથી હુમલો કરી હત્યા કરનારા આરોપી ચેતન ગાલાને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને ૨૯ માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
આ ઘટના દરમિયાન ઈજા પામેલી ગુજરાતી મહિલા સહિત બે જણની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
ગ્રાન્ટરોડના પાર્વતી મેન્શન બિલ્ડિંગમાં ગઈકાલે વિફરેલા ૫૪ વર્ષીય ચેતન ગાલાએ પાડોશી જયેન્દ્ર મિસ્ત્રી (ઉં.વ.૭૭) તેમની પત્ની ઈલા (ઉં.વ.૭૦) અને જેનિલ બ્રહ્મભટ્ટ (ઉં.વ.૧૮)ની ચાકૂના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી. આ હુમલામાં જેનિલની માતા સ્નેહલબેન અને બિલ્ડિંગમાં કામ કરતા પ્રકાશ વાઘમારે (ઉં.વ.૫૩)ને ગંભીર ઈજા થઈ હતી.
ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર પ્રદીપ ખુડેએ જણાવ્યું હતું કે 'હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બંને ઈજાગ્રસ્તની તબીયત સુધારા પર છે. આરોપીને પોલીસ કસ્ટડી આપવામાં આવી છે.
પોલીસ તેની પૂછપરછ કરી કેસમાં મહત્ત્વની માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. પાડોશીઓએ ઉશ્કેરણી કરતા પત્ની અને સંતાન તેને છોડીને જતા રહ્યા હોવાનું તેને શંકા હતી.
આરોપી ચેતન ગાલા વારંવાર પત્ની અને સંતાનને ઘરે પાછા આવવા કહેતો હતો એમ કહેવાય છે. તેણે પુત્રને પણ આ બાબતે ફોન કર્યો અને પુત્રી આગળ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હોવાની ચર્ચા થઈ રહી છે.
માનસિક રીતે અસ્વસ્થ આરોપીએ ગઈકાલે બપોરે એક પછી એક પાંચ પાડોશી પર હુમલો કર્યા બાદ પોતાને રૂમમાં બંધ કરી દીધો હતો. તે પોલીસને રૂમમાંથી બહાર આવવાની ના પાડી રહ્યો હતો. પરંતુ પોલીસ ેદરવાજો તોડીને મારવાની ચેતવણી આપતા છેવટે તે રૂમમાંથી બહાર આવ્યો હતો.
આરોપીએ અગાઉથી ચાકૂની ખરીદી કરી હતી
મુંબઈ: પાડોશીઓની હત્યા કરનારા આરોપીએ અગાઉ ચાકૂની ખરીદી કરી હોવાનું કહેવાય છે. આમ કદાચ તેણે પહેલાથી જ આ પ્રકારનો હુમલો કરવાનું વિચારી લીધું હતું કે કેમ એની ચર્ચા થઈ રહી છે. આરોપી પાસેથી પોલીસે ચાકુ કબજે કર્યું છે. પોલીસ દરેક બાબતને ધ્યાનમાં રાખીને કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે.