કેન્સર પીડિત દાદીને પૌત્રએ કચરાપેટી પાસે ત્યજી દીધી
આરે કોલોનીની કચરાપેટી પાસેથી દયનીય હાલતમાં વૃદ્ધા મળી
વૃદ્ધાએ આપેલી વિગતોના આધારે પોલીસે મલાડ અને કાંદિવલીમાં તપાસ કરતાં પરિવારજનોના ઘરે તાળાં જણાયા
મુંબઇ - દેશની આર્થિક રાજધાની મુંબઇમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં કેન્સરથી પિડાતી એક સિનિયર સિટીઝન મહિલાને તેના પૌત્ર અને સંબંધીઓએ ગોરેગાવની આરે કોલોની વિસ્તારની એક કચરાપેટી પાસે ત્યજી દીધી હતી.કોઈએ જાણ કર્યા બાદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વૃદ્ધ મહિલાને કૂપર હોસ્પિટલમાં ખસેડી હતી જ્યો તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે રવિવારે સવારે ૮.૩૦ વાગ્યે આરે કોલોનીના યુનિટ નંબર ૩૨ તરફ જતા રસ્તા પર એક વૃદ્ધાને કચરા પેટીની બાજુમાં ત્યજી દેવાયેલી હાલતમાં કોઇ છોડી ગયું હોવાની જાણ અમૂક સ્થાનિક લોકોએ પોલીસ કન્ટ્રોલ રૃમને આપી હતી. ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આ સમયે કચરાના ઢગલા અને પ્લાસ્ટિક વચ્ચે ગુલાબી નાઇટ ડ્રેસમાં એક મહિલા લાચાર અવસ્થામાં પડેલી જોવા મળી હતી. મહિલાના ચહેરા પર ઘા હતો અને સંભવતઃ એડવાન્સ સ્કિન કેન્સરને લીધે તેમના ગાલ અને નાક પર પણ ચેપ લાગ્યો હોવાનું દેખાતું હતું. પોલીસે વધુ પૂછપરછ કરતા મહિલાએ તેનુ નામ યશોદા ગાયકવાડ હોવાનું અને તે મલાડમાં રહેતી હોવાનું જણાવ્યું હતું.
૬૦ વર્ષીય યશોદા ગાયકવાડની તબિયત નાજુક હોવાથી પ્રથમ તેમને પોલીસ વેનમાં જોગેશ્વરીના ટ્રોમા કેર સેન્ટર અને ત્યાર બાદ કૂપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શરૃઆતમાં બન્ને હોસ્પિટલોએ જરૃરી યોગ્ય સુવિધાના અભાવે તેમને દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે અંતે સાંજે કૂપર હોસ્પિટલમાં તેમને દાખલ કરી લેવામાં આવ્યા હતા. અહીં મહિલાએ ખુલાસો કર્યો હતો કે તેનો પૌત્ર તેને આરે કોલોનીમાં લાવ્યો હતો અને છોડી ગયો હતો.
મહિલાએ આપેલ સરનામે તેના પરિવારને શોધવાની આશામાં પોલીસ મલાડ અને કાંદિવલીના સરનામે ગઇ હતી પરંતુ ઘરે તાળું હોવાનું જણાયું હતું. સારવાર માટે નાણાના અભાવે પૌત્રએ દાદીથી છૂટકારો મેળવવા આ કૃત્ય કર્યું હોવાનું કહેવાય છે. પોલીસ આ બાબતે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. યશોદા ગાયકવાડના પરિવારજનો મળી ગયા બાદ વધુ માહિતી સામે આવશે તેવું પોલીસનું કહેવું છે.