Mumbai

દાદી હિંસક બની હાથ ઉપાડતા હોવાથી પૌત્રએ કચરાપેટી પાસે ત્યજી દીધાં હતાં

By GS TEAM
27 Jun 20252 mins read
દાદી હિંસક બની હાથ ઉપાડતા હોવાથી પૌત્રએ કચરાપેટી પાસે ત્યજી દીધાં હતાં

વૃદ્ધાને ત્યજી દેવાના કેસમાં પૌત્ર, સંબંધી તથા રિક્ષાચાલકની અટકાયત

વૃદ્ધાને હોસ્પિટલ લઈ ગયા પણ ત્યાં દાખલ કરવાનો ઈનકાર કરતાં રાતે ત્રણ વાગ્યે આરે જઈને કચરાપેટી પાસે મૂકી દીધાં હતા

મુંબઈ  -  આરે કોલોનીમાં કચરાપેટી પાસે વૃદ્ધાને ત્યજી દેવાના આરોપમાં વૃદ્ધાના પૌત્ર ૩૩ વર્ષીય સાગર શેવાળેની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના સંદર્ભમાં ઓટોરિક્ષા ચાલક અને વૃદ્ધાના  સ્વજનની પણ અટકાયત કરવામાં આવી હતી. આ કેસમાં પૌત્રએ દાવો કર્યો  હતો ક દાદી સતત બિમારીથી પીડાતા હોવાથી તેમનો સ્વભાવ હિંસક અને ચિડચિડીયો બની ગયો હતો. તેથી આ બધી બાબતના કારણે દાદીને આરે કોલોનીના કચરાપેટી પાસે ત્યજી દેવામાં આવ્યા હતા. 

આ કેસમાં સાગર શેવાળે શરુઆતમાં પોલીસને શરુઆતમાં નિવેદન આપીને દાવો કર્યો હતો ક દાદી યશોદા ગાયકવાડને અમે  ત્યજી દીધાં ન હતાં  પરંતુ તેઓ જાતે જ  કાંદિવલીથી આરે કોલોનીના જંગલમાં જતાં રહ્યાં હતા.  જો કે,  બીમાર વૃદ્ધા જાતે કાંદિવલીથી આરે પહોંચે તે બાબતે પોલીસને શંકા પડી હતી. આથી પોલીસે કાંદિવલીથી આરે સુધીન સીસીટીવી ફૂટેજ ચેક  કર્યાં હતાં. તેમાં પૌત્ર સાગર જ દાદીને આરે કોલોનીમાં કચરાપેટી પાસે મૂકી આવ્યો હોવાનું જણાયું હતું. 

પોલીસના જણાવ્યા મુજબ, સાગર તેની દાદીના સંબંધી ૭૦ વર્ષીય બાબાસાહેબ ગાયકવાડ અને ઓટિરિક્ષા ડ્રાઈવર ૨૭ વર્ષીય સંજય કદ્રેશમ સાથે ૨૧ જૂનની મોડી રાત્રે તેની દાદીને  શતાબ્દી હોસ્પિટલમાં લઈ જતાં જોવા મળ્યા હતા. જો કે, હોસ્પિટલમાં યશોદા ગાયકવાડને દાખલ કરવામાં આવ્યા ન હતા. બાદમાં ૨૨ જૂનના રોજ મધ્યરાત્રીએ ત્રણ વાગ્યાની આસપાસ ત્રણેયે કથિત રીતે  વૃદ્ધાનેે આરેના જંગલમાં લઈ ગયા હતા અને ત્યાં જ છોડી દીધી હતી.

તપાસકર્તાઓના અંદાજ  અનુસાર  દાદીનો સ્વભાવ હિંસક અને ચીડીયો બની ગયો હતો. તેઓ સાગર તથા તેની પત્ની પર પણ હુમલો કરી દેતાં હતાં. આથી કંટાળેલા પૌત્રએ તેમને ત્યજી દેવાનું નક્કી કર્યું હતું. 

પોલીસે ત્રણેય સામે વધુમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૫ અને માતાપિતા તથા વૃદ્ધાના ભરણપોષણ તથા કલ્યાણ અધિનિયમની કલમ ૨૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.આ બાદ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, બાદમાં  ત્રણેયને નોટીસ આપીને છોડી મૂકવામાં આવ્યા હતા.

વધુમાં જંગલમાંથી સફળ રીતે બચાવી લેવાયા બાદ યશોદા ગાયકવાડને પોલીસ કર્મચારીઓ તેમને  કપૂર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જેમાં વૃદ્ધાની હાલત અત્યંત ખરાબ હોવા છતાં  હોસ્પિટલે  તેમને  દાખલ કરવામાં વિલંબ કર્યો હતો. આ બાદ  પોલીસની દખલગીરી બાદ હોસ્પિટલે વૃદ્ધાને દાખલ કર્યા હતા.  આ તમામ ઘટના બાદ મહારાષ્ટ્ર માનવ અધિકારી  પંચે પણ આ મામલે હોસ્પિટલ વહીવટીતંત્રની પણ સમાંતરે તપાસ હાથ ધરી હતી.