Get The App

ગેરકાયદે બાંધકામો પ્રત્યે સરકાર મૂકદર્શક ન બનેઃ હાઈકોર્ટ

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
ગેરકાયદે બાંધકામો પ્રત્યે સરકાર મૂકદર્શક ન બનેઃ હાઈકોર્ટ 1 - image

બિલ્ડરો અને અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ સ્પષ્ટ

નવી મુંબઈમાં ગેરકાયદે બાંધકામ અંગેની એક પીઆઈએલ ફગાવતાં જોકે કહ્યું કે  બિલ્ડરના ડિફોલ્ટ માટે ઘર ખરીદનારાઓને દંડી ન શકાય

મુંબઈ -  નવી મુંબઈમાં ગેરકાયદેસર બાંધકામોનો વ્યાપ ગંભીર ચિંતાનો વિષય છે અને તેના પ્રત્યે મહારાષ્ટ્ર સરકારે  મૂક પ્રેક્ષક બનીને ન રહેવું જોઈએ કારણ કે મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓ તેનો ભોગ બને છે, એમ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે.

  મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે ગયા અઠવાડિયે એક જાહેર હિતની અરજી પરના આદેશમાં જણાવ્યું હતું કે જરૃરી પરવાનગીઓ વિના અથવા મંજૂર યોજનાઓનું ઉલ્લંઘન કરીને બાંધવામાં આવેલી ઇમારતોની સંખ્યા અધિકારીઓ અને  બિલ્ડરો વચ્ચેની સાઠગાંઠ તરફ નિર્દેશ કરે છે.

 સ્થાનિક રહેવાસી સંદીપ ઠાકુર દ્વારા ટાઉનશીપમાં અસંખ્ય ગેરકાયદેસર ઇમારતો અંગે ચિંતા વ્યક્ત કરતી જાહેર હિતની અરજી  સંદર્ભમાં હાઈકોર્ટે આમ જણાવ્યુું હતું.   પીઆઈએલમાં   કહેવામાં આવ્યું છે કે ઇમારતોમાં ભોગવટા પ્રમાણપત્ર (એસી) ન હોવા છતાં ઘણી ઇમારતો ઘર ખરીદનારાઓ દ્વારા કબજે કરવામાં આવી છે, ડેવલપર્સ સામે તપાસ અને આવા તમામ ગેરકાયદ  બાંધકામોને તોડી પાડવાની માંગ કરવામાં આવી છે.

 હાઈકોર્ટને જાણ કરવામાં આવી હતી કે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમએમસી)એ જરૃરી પરવાનગીઓ વિના અથવા મંજૂર યોજનાઓનો ભંગ કરીને બાંંધવામાં આવેલી ૨,૧૦૦ ઇમારતોની યાદી તૈયાર કરી છે.

  જોકે કોર્ટે પીઆઈએલને ફગાવી દીધી હતી અને નોંધ્યું કે આ વર્ષે માર્ચમાં હાઈકોર્ટની બીજી બેન્ચે એનએમએમસીને ગેરકાયદે બાંધકામો ઓળખવા માટે વ્યાપક અભ્યાસ કરવા અને આગળની કાર્યવાહી કરતા પહેલા માલિકો અથવા કબજેદારોને નોટિસ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

  કોર્ટે સ્પષ્ટ કર્યું કે પીઆઈએલને ફગાવી દેવાનું અર્થઘટન ડેવલપર્સ અથવા નાગરિક અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિને માફ કરાયા તરીકે ગણવામાં આવશે નહીં.

 અધિકારીઓને આવા  બિલ્ડરો  અને ભૂલ કરનારા અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી શરૃ કરવાની સ્વતંત્રતા છે.  ઠાકુરે પોતાની અરજીમાં 'પામ બીચ રેસીડેન્સી' નામની ઇમારતનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં છ વિંગમાં ૬૦૦ થી વધુ ફ્લેટનો સમાવેશ થાય છે . તેમણે દાવો કર્યો હતો કે ઓસી વિના જ આ બિલ્ડિંગમાં ફલેટધારકોને કબજો આપી દેવાયો હતો. 

 કોર્ટે નોંધ્યું હતું કે કોર્પોેરેશને આ વર્ષની શરૃઆતમાં ઇમારતને કામચલાઉ ઓસી આપી હતી  અને કહ્યું હતું કે જો કથિત ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ રહી હોત તો આવું પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું ન હોત.

 એકવાર કામચલાઉ ઓસી આપવામાં આવે પછી આ કોર્ટ માટે અનિયમિતતાઓનું સ્વરૃપ નક્કી કરવા માટે  બાંધકામની ઝીણવટભરી તપાસ કરવી અયોગ્ય રહેશે. આવા મામલાઓ આયોજન સત્તામંડળના વિશિષ્ટ કાર્યક્ષેત્રમાં આવે છે,એમ હાઈકોર્ટે જણાવ્યું હતું. ડેવલપરના ડિફોલ્ટ માટે ઘર ખરીદનારાઓને દંડ કરી શકાય નહીં, એમ તેમાં ઉમેર્યું હતું.