2 વર્ષ પહેલાં બંધ થવાના આરે પહોંચેલી સરકારી શાળા હવે વિશ્વની ટોપ ટેનમાં

સરકારી શાળામાં કોડિંગ, પ્રોગ્રામિંગ, રોબોટિક્સની તાલીમ
બે વર્ષ પહેલાં માત્ર ત્રણ જ વિદ્યાર્થી હતા હવે સંખ્યા વધીને ૧૨૦ થઈઃ બ્રાઝીલ, યુકે, દુબઈ, ઈટલી, આર્જેન્ટિનાની શાળાઓ સાથે ટોપ ટેનમાં સ્થાન
મુંબઈ - પુણે જિલ્લાના ખેડ તાલુકાના જાલિંદરનગરની જિલ્લા પરિષદ સંચાલિત સરકારી શાળા એક સમયે વિદ્યાર્થી સંખ્યાના અભાવે બંધ થવાની હાલતમાં પહોંચી ગઈ હતી. પરંતુ, હવે આ શાળાએ જબરદસ્ત ટર્ન એરાઉન્ડ કર્યું છે અને તે કોમ્યુનિટી કોલબરેશન ગૂ્રપમાં વિશ્વની ટોચની દસ શાળામાં સ્થાન પામી છે. આ યાદીમાં સામેલ થનારી દેશની આ પહેલી શાળા છે. આ સરકારી શાળાના વિદ્યાર્થીઓ કોડિંગ, રોબોટિક્સ, પ્રોગ્રામિંગ અને ઈલેક્ટ્રોનિક્સ પણ શીખી રહ્યા છે. આ સ્કૂુલને હવે અન્ય સરકારી શાળાઓ માટે મોડલ સ્કૂલ તરીકે રજૂ કરવામાં આવશે.
વૈશ્વિક સંસ્થા ટી ફોર એજ્યુકેશનદ્વારા વિશ્વભરની સ્કૂલો માટે સ્પર્ધા યોજાઈ હતી. તેમાંના 'સપોર્ટિંગ હેલ્ધી લાઈવ્ઝ', 'ઈનોવેશન', 'એન્વાર્યનમેન્ટલ એક્શન', 'ઓવરકમિંગ એડવર્સિટી', 'કમ્યુનિટી કોલાબોરેશન' (જનસહભાગ) આ ગુ્રપમાં પ્રત્યેકે ૧૦ ઉત્તમ શાળાઓની પસંદગી થઈ હતી. તેમાં જાલિંદરનગરની જિલ્લા પરિષદ શાળાએ જનસહભાગ ગુ્રપમાં પ્રથમ દસમાં સ્થાન મેળવી રાજ્યનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડયું છે. આ શાળામાં મુખ્યાધ્યાપક સંદીપ મ્હસુડગે અને રાષ્ટ્રપતિ પુરસ્કાર પ્રાપ્ત અધ્યાપક દત્તાત્રય વારેને આ માટે શ્રેય મળ્યુું છે.
દત્તાત્રય વારેએ પોતાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યની સરકારી સ્કૂલ પહેલીવાર વૈશ્વિક સ્તરે પ્રથમ દસ ક્રમાંકમાં આવી છે. આથી સરકારી સ્કૂલો પણ વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઉતરી શકે છે, એવો આત્મવિશ્વાસ આવ્યો છે. અને સરકારી સ્કૂલો અને તેના વિદ્યાર્થીઓ શું કરી શકે તે દાખવવા માટે આ કામગીરી મહત્ત્વની છે. આ પુરસ્કારથી અમને આગળની દિશા પણ પ્રાપ્ત થઈ છે. અન્ય ૯ ફાઈનલિસ્ટ શાળાઓ બ્રાઝીલ, યુકે, દુબઈ, પાકિસ્તાન, ઈટલી, કોસ્ટા રીકા અને અર્જેન્ટિનાની છે.
જાલિંદરનગર સ્કૂલમાં બે વર્ષ પહેલાં માત્ર ૩ વિદ્યાર્થીઓ હતા. પરંતુ વિવિધ ખાનગી કંપનીઓના સીઆરએસ ફંડ દ્વારા બે વર્ષમાં આશરે ૨૫ થી ૩૦ લાખનું ભંડોળ જમા કરી તેનાથી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. આજે આ તમામ બાબતોના સકારાત્મક પરિણામને લીધે શાળાની વિદ્યાર્થી સંખ્યા વધીને ૧૨૦ જેટલી થઈ છે.








