Get The App

સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજો સિક્યુરિટી વિના નધણિયાતી

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજો સિક્યુરિટી વિના નધણિયાતી 1 - image

રાજ્યના રેસિડેન્ટ ડોક્ટર્સ  પર હુમલાનું સતત તોળાતું જોખમ 

ડોક્ટરોની હોસ્ટેલોમાં છત ગળે છે, કૂતરાં ફરે છે અને ગટરો ઉભરાય છેઃ ૫૦ ટકા મેસ બંધ હાલતમાં 

મુંબઈ -  રાજ્યની સરકારી મેડિકલ કોલેજોમાં ભણતા તથા સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોકટર્સ બહુ દારુણ હાલતમાં કામ કરી રહ્યા છે. મેડિકલ કોલેજો તથા સરકારી હોસ્પિટલોમાં પૂરતી સિક્યુરિટીના અભાવે  તેમના પર હુમલા થવાનું જોખમ સતત તોળાયેલું રહે છે. આ  ડોક્ટર યુવક-યુવતીઓને જે હોસ્ટેલ ફાળવાય છે તેમાં પણ છત ગળે છે, હોસ્ટેલમાં કૂતરાં ફરે છે અને જીવજંતુઓનો વાસ છે, ગટરો ઉભરાય છે. ૫૦ ટકા મેસ પણ બંધ હોવાથી ડોક્ટરો ખુદ નાછૂટકે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાઈ ચલાવે છે. 

રેસિડેન્ટ ડોક્ટરોનાં સંગઠન સેન્ટ્ર મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોકટર્સ, ' માડ'ર્ દ્વારા એક સર્વે બાદ આ દારુણ ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. રાજ્યમાં આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રકચર માટે કરોડો રુપિયા ફાળવાતા હોવાની ગુલબાંગોની આ અહેવાલે પોલ ખોલી નાખી છે. 

રાજ્યમાં આશરે ૫૮૦૦ જેટલા  રેસિડેન્ટ ડોક્ટર્સ દોઝખ  જેવી હાલતમાં રહે છે અને કામ કરે છે.  ૧૮ જેટલી મેડિકલ કોલેજોમાં હાથ ધરાયેલા સર્વેમાં જણાયું હતું કે સરકારી દવાખાના તથા મેડિકલ કોલેજોમાં પૂરતી સિક્યુરિટી જ નથી. એક અંદાજ મુજબ  સિક્યુરિટી ફોર્સની ફાળવાયેલી જગ્યાઓમાંથી પચ્ચીસ ટકા જગ્યાઓ ખાલી છે. હોસ્પિટલમાં ઓપીડીમાં , વોર્ડમાં , કેઝ્યુઆલિટી યુનિટમાં રાતભર ફરજ બજાવતા આ તબીબો પર ગમે ત્યારે હુમલાનું જોખમ તોળાયેલું રહે છે.  આ તબીબો જે હોસ્ટેલમાં રહે છે ત્યાં પણ કોઈ જાતની સલામતી વ્યવસ્થા હોતી નથી. 

માર્ડના જણાવ્યા અનુસાર લગભગ અડધોઅડધ રેસિડેન્ટ ડોક્ટર્સને તો હોસ્ટેલ મળતી જ નથી. આથી તેઓ દૂર દૂર પ્રાઈવેટમાં રુમો રાખીને રહે છે અને રાતે મધરાતે હોસ્પિટલ અવરજવર કરે છે. બીજી તરફ જેમને હોસ્ટેલ મળે છે ેતેમના રુમમાં કૂતરાં ફરતાં  હોય છે, ફર્નિચર તૂટેલાં ફૂટેલાં છે, ગટરો ઉભરાય છે, રુમમાં જીવ જંતુનો પાર નથી. છત પણ ગળતી હોય છે. પૂરતી ટોઈલેટ બાથરુમની વ્યવસ્થા ન હોવાને કારણે આ ડોક્ટરો ભારે અનહાઈજિનિક પરિસ્થિતિમાં રહે છે. વધુમાં આ હોસ્ટેલોની ૫૦ ટકા મેસ બંધ પડી છે. તેના કારણે જુનિયર  ડોક્ટરોએ નાછૂટકે બિનઆરોગ્યપ્રદ સ્ટ્રીટફૂડ પર આધાર રાખવો પડે છે. 

માર્ડના જણાવ્યા અનુસાર આ  સંજોગો વચ્ચે સ્ટાઈપેન્ડનાં પણ ધાંધિયા છે. નિયમ મુજબ દર મહિનાની દસમી તારીખે  સ્ટાઈપેન્ડ મળી જવું જોઈએ પરંતુ તેવું બનતું હોતું નથી. સપ્તાહના ૮૦થી ૧૦૦ કલાક કામ કરતા કેટલાય ડોક્ટરોને રુટિન ખર્ચા માટે પણ દેવું કરવું પડે તેવી હાલત ચે. 

આ સર્વેમાં ફક્ત ૩૫ ટકા ડોક્ટરોએ જ પોતે હોસ્પિટલમાં સલામતી અનુભવતા હોવાનું જણાવ્યું હતું. 

ડોક્ટરોના આ પ્રશ્નો અંગે સરકારમાં વારંવાર ઉચ્ચકક્ષાએ રજૂઆતો થાય છે પરંતુ મોટાભાગે  તે બહેરા કાને જ અથડાય છે.