અભિનવ ભારતને સરકારે આતંકવાદી સંગઠન જાહેર કર્યું નથીઃ કોર્ટ

માલેગાંવ બોમ્બ ધડાકા કેસનો ચુકદો
સંગઠનનો હતુ ભારતનું બંધારણ બદલવાનો હોવાનું પુરવાર નથી થતું
મુંબઈ - માલેગાંવ બોમ્બ ધડાકા કેસમાં વિશેષ કોર્ટે સાત આરોપીને નિર્દોષ મુક્ત કરવા સાથે ફરિયાદી પક્ષના દાવાને ફગાવ્યો હતો . દાવામાં જણાવ્યું હતું કે જમણેરી અંતિમવાદી જૂથ અભિનવ ભારતે ધડાકો કરાવ્યો હતો. કોર્ટે નોંધ કરી હતી કે સરકારે સંગઠનને આતંકવાદી સંગઠન તરીકે પ્રતિબંધીત કર્યું જ નથી.
વિશેષ જજ લાહોટીએ ૧૦૦૦થી વધુ પાનાંના ચુકાદામાં નોંધ કરી હતી કે મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ તપાસમાં દાવો કર્યો હતો કે આરોપીઓ અભિનવ ભારતના સભ્યો હતો જે સંગઠીત ગુનાખોર ટોળકી છે.
જજે નોંધ કરી હતી કે કેન્દ્ર સરકારે સંગઠનને આતંકવાદી સંગઠનજાહેર કર્યું નથી અને અભિનવ ભારત ટ્રસ્ટ કે સંસ્થા અથવા સંગઠન કે ફાઉન્ડેશન પ્રતિબંધિત નથી.
ફરિયાદી પક્ષ દ્વારા વારંવાર અભિનવ ભારત શબ્દ સતત વપરાયો છે. આથી નોંધ કરવી જરૃરી છે કે આ સંગઠન પ્રતિબંધીત નથી. આજે પણ ગેરકાયદે પ્રવૃત્તિ કાયદા હેઠળ તેના પર બંધી નથી, એમ ચુકાદામાં જણાવ્યું હતું.
જો કેન્દ્રનો એવો મત છે કે કોઈ સંગઠન જો ગેરકાયદે પ્રવૃત્તિમાં રાચે છે તો તેને જાહેરનામા દ્વારા પ્રતિબંધીત જાહેર કરી શકે છે. પણ અહીં આજ સુધી એવું કંઈ બન્યું નથી.પુણે ચેરિટી ઓફિસ પાસે ૨૦૦૭માં રચાયેલા અભિનવ ભારત ટ્રસ્ટની નોંધણી થઈ હતી.
ટ્રસ્ટના કરાર અનુસાર ટ્રસ્ટનો હેતુ દેશભક્તિ અને ધાર્મિક પ્રવૃત્તિ શરૃ કરવાનો હતો. વધુમાં આરોપીઓ ટ્રસ્ટના સભ્ય હોવાનું પુરાવા પરથી ફલીત થતું નથી, એમ કોર્ટે જણાવ્યું હતું.
ફરિયાદી પક્ષે દાવો કર્યો હતો કે પુરોહિતે અભિનવ ભારતની રચના અલગ હિન્દુ રાષ્ટ્ર નિર્માણ કરવા માટે કરી હતી કેમ કે સંગઠનના સભ્યો ભારતીય બંધારણથી અસંતુષ્ટ હતા.
એવો આરોપ પણ કરાયો હતો કે આરોપીઓ ગુ્રપના સભ્યો હતા અને માલેગાંવાં ધડાકો કરવાનું કાવતરું ઘડયું હતું. ભારતને આર્યવ્રતમાં પરિવર્તિત કરવાનો આરોપીઓનો ઈરાદો હોવાનો દાવો કરાયો હતો.
કોર્ટે ચુકાદામાં નોંધ કરી છે કે ફરિયાદી પક્ષ પુરવાર કરી શક્યો નથી કે ટ્રસ્ટનું નિર્માણ બંધારણ બદલવા કરાયું હતું. એ પણ પુરવાર થયું નથી કે ટ્રસ્ટે એકઠી કરેલી ૨૧ લાખની રકમ આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાઈ હતી.









