બિયર બારમાં બેસી સરકારી ફાઈલો ધડાધડ ક્લિયર કરાઈ
બિયરના ઘૂંટ પીતાં પીતાં સહીઓ કરવામાં આવી
નાગપુરમાં ત્રણ જણ ફાઈલોનો થોકડો લઈને આવ્યા હતાઃ એક કલાકની સહી ઝુંબેશનો વિડીયો વાયરલં
મુંબઈ - રવિવારની રજામાં લોકો પરિવાર સાથે હરવા ફરવા કે ફિલ્મ જોવા જતા હોય છે. પણ મહારાષ્ટ્રની ઉપરાજધાની નાગપુરના એક જાણીતા બારમાં ત્રણ જણ ભરબપોરે સરકારી ફાઈલોનો થોકડો લઈને આવ્યા હતા અને દારૃ ઢીંચતા ઢીંચતા ધડાધડ સહીઓ કરી હતી. બિયર બારમાં ખૂણે ખૂણે લગાડેલા સી.સી.ટી.વી. કેમેરામાં આ ત્રણ વ્યક્તિનું સિગ્નેચર કેમ્પેન કેદ થઈ ગયું હતું.
નાગપુરના મનીષનગર વિસ્તારના બારમાં રવિવારે બપોરે સાડા ત્રણ વાગ્યે ત્રણ જણ સરકારી ફાઈલો લઈને આવ્યા હતા. પહેલાં તેમણે દારૃનો ઓર્ડર આપ્યો હતો. ત્યાર પછી દારૃના ઘૂંટ પીતા પીતા બે જણ ફાઈલો ધરતા ગયા હતા અને ત્રીજો જણ ફટાફટ સહીઓ કરતો ગયો હતો. આ જોઈને બારમાં હાજર કસ્ટમરોની આંખો ચાર થઈ ગઈ હતી. દરેકના મનમાં એક જ સવાલ ઘૂમરાયો હતો કે નશો કરવાની સાથે સરકારી ફાઈલો ક્લિયર કરતા આ કોણ અધિકારીઓ છે?
એક કલાક સુધી આ શરાબ સાથે સહી- ઝુંબેશ ચાલી હતી. ત્યાર પછી ત્રણેય જણ ફાઈલો લઈને બારમાંથી ચાલ્યા ગયા હતા.
આ દ્રશ્ય નજરે જોનારાઓએ કહ્યું હતું કે પોલીસે પોતે જ બારમાં જઈ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસીને આ અધિકારીઓ કોણ હતા અને કઈ ફાઈલો પર સહી કરી હતી એ શોધી કાઢવું જોઈએ.