Mumbai

પ્રતિબંધ છતાં પાકિસ્તાનથી દાણચોરીથી લવાયેલો 9 કરોડનો સામાન જપ્ત

By GS TEAM
27 Jun 20252 mins read
પ્રતિબંધ છતાં પાકિસ્તાનથી  દાણચોરીથી લવાયેલો 9 કરોડનો સામાન જપ્ત

ઓપરેશન ડીપ મેનીફેસ્ટ હેઠળ ૩૯ કન્ટેનર જપ્ત કરાયાં 

પહલગામ એટેક બાદ પાકિસ્તાની સામાન પર પ્રતિબંધ હોવા છતાં દુબઈ કે અન્ય દેશોનાં લેબલ મારી જેએનપીટી પોર્ટ  પર આયાત કરવાનું રેકેટ

મુંબઈ  -  પહલગામ એટેક બાદ પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ છતાં પણ દુબઈ કે અન્ય દેશોનાં લેબલ લગાડી, મિસડિકલેરેશન કરી પાકિસ્તાનથી લવાયેલા નવ કરોડના સામાન ભરેલાં ૩૯ કન્ટેનર નવી મુંબઈના જેએનપીટી  પોર્ટ ખાતેથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ દ્વારા જપ્ત કરાયાં હતાં. ૧૧૧૫ મેટ્રિક ટન સામાન જપ્ત કરી આ રેકેટમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરાઈ છે. 

 પહલગામ આતંકવાદી હુમલા બાદ સરકારે  ગઈ તા. બીજી મેના રોજ અમલમાં આવે તે રીતે  રોજ પાકિસ્તાનમાં બનતા અથવા ત્યાંથી નિકાસ થતા માલની પ્રત્યક્ષ કે પરોક્ષ  આયાત અથવા પરિવહન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પહેલા મૂળ પાકિસ્તાનના તમામ માલસામાન પર  પર ૨૦૦ ટકા કસ્ટમ ડયુટી લાગતી હતી. 

જોકે, કેટલાક આયાતકારકો આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરી સરકારી એજન્સીઓને છેતરી ખોટા દસ્તાવેજો બનાવી તથા સંબંધિત શિપિંગ દસ્તાવેજોમાં ચેેડાં કરી પાકિસ્તાનથી સામાન મગાવી રહ્યા હોવાનું ખુલ્યું છે. ડીઆરઆઈ દ્વારા બે અલગ અલગ કેસોમાં તેનો પર્દાફાશ કરાયો છે. 

એક કેસમાં કન્સાઈન્મેન્ટ મૂળ યુએઈથી આવ્યું હોવાનું જણાવીને જેએનપીટી પરથી આ માલને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, આ કન્સાઈન્મેન્ટની સઘન તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ માલ ખરેખર પાકિસ્તાનનો છે. ત્યાંથી તે દુબઈ મોકલાયો હતો અને ત્યાંથી ભારતમાં આયાત કરવા માટે મોકલવામાં આવ્યો છે. આ ૩૯ પાકિસ્તાની કન્ટેનરમાં મીઠાની થેલીઓ અને કેટલીક અન્ય વસ્તુઓ હતી. 

આ સામાન પાકિસ્તાનના કરાચી બંદરથી દુબીના જેબલ અલી પોર્ટ પર મોકલાયો હતો. ત્યાંથી તે ભારત રવાના કરાયો હતો.  વધુમાં પાકિસ્તાની  વેપારીઓ સાથે થયેલાં નાણાંકીયય વ્યવહારોની પણ ભાળ મેળવવામાં આવી રહી છે. આ સમગ્ર કારભાર અતિશય અટપટા ટ્રાન્ઝેક્શન દ્વારા પાર પડાતું હતું. તેમાં  પાકિસ્તાન, યુએઈ તથા ભારતના કેટલાક લોકો સંડોવાયેલા હોવાની શંકા છે. ---

ડીઆરઆઈએ આ સંદર્ભમાં આજે એક આયાત કરતી પેઢીના ભાગીદારોમાંથી એકની ધરપકડ કરવામાં આવી હતી અને આ મામલે અન્ય કેટલાક લોકોની સંડોવણી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.