- શોલેના વીરુએ લગભગ એક મહિના સુધી મોત સામે એલાન એ જંગ કર્યા બાદ અંતિમ શ્વાસ લીધા
- 65 વર્ષની કારકિદી દરમિયાન 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું બોલીવૂડમાં સૌથી વધુ હિટ ફિલ્મ આપવાનો અનોખો રેકોર્ડ
- રોમાન્સ, એક્શન, કોમેડી તમામ જોનરમાં સુપરહિટ ફિલ્મો આપી : 89 વર્ષની ઉંમરે પણ સક્રિય : છેલ્લી ફિલ્મ ઇક્કિસ આવતા મહિને રજૂ થશે
- અમિતાભ, શાહરૂખ, સલમાન, આમિર, સહિત સ્ટાર્સ દોડાદોડ સ્મશાને પહોંચ્યા
મુંબઈ : બોલીવૂડના એકમાત્ર હી-મેન અને વિખ્યાત પીઢ ફિલ્મ સ્ટાર ૮૯ વર્ષના ધર્મેન્દ્રનું આજે ૮૯ વર્ષની વયે મુંબઈના જૂહુ ખાતે અવસાન થયું હતું. ધર્મેન્દ્રના નિધનની સત્તાવાર જાહેરાત કરવાના બદલે પરિવારે નજીકના સ્નેહીજનો અને બોલિવૂડ સ્ટાર્સને સીધા જ વિલેપાર્લે સ્મશાને આવવા સંદેશો આપ્યો હતો. ધર્મેન્દ્રના નિધનના સમાચાર મીડિયામાં ફેલાય અને ચાહકો તેમના ઘરે એકત્ર થાય તે પહેલાં વિલે પાર્લેના પવનહંસ સ્મશાન ગૃહમાં પુત્ર સની દેઓલે અગ્નિદાહ આપ્યો હતો. આ સાથે તેમનો દેહ પંચમહાભૂૂતમાં વિલીન થયો હતો. આ સમયે ધર્મેન્દ્રનો સમગ્ર પરિવાર પ્રથમ પત્ની પ્રકાશ કૌર, બીજી પત્ની હેમામાલિની અને છ સંતાનો સની, બોબી, વિજેતા, અજિતા તથા હેમામાલિનીની પુત્રીઓ ઇશા અને અહાના ઉપસ્થિત હતા. તેમના નિધનથી દેશવિદેશના લાખો ચાહકા ઊંડા આઘાતમાં સરી પડયા હતા. બોલીવૂડમાં ૬૫ વર્ષની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન આશરે ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કરનારા ધર્મેન્દ્રના નામે સૌથી વધુ હિટ ફિલ્મ આપવાનો રેકોર્ડ પણ બોલે છે. રોમાન્સ, કોમેડી, એક્શન અને કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે એમ દરેક રોલ અને જોનરમાં તેમણે સફળતાના નવા માપદંડો સ્થાપિત કર્યા હતા. કમર્શિઅલથી માંડી આર્ટ ફિલ્મોમાં તેમણે એકસરખું કૌશલ્ય દાખવ્યું હતું.
આ મહિનાની શરુઆતમાં તેમને દક્ષિણ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે પછી તા. ૧૦મીએ તેમની તબિયત વધારે વણસી હોવાના અહેવાલ આવ્યા હતા. તા. ૧૧મીએ તો સંખ્યાબંધ ટીવી ચેનલોએ તેમના નિધનની અફવા પણ પ્રસારિત કરી દીધી હતી. તે વખતે હેમા માલિની, ઈશા દેઓલ તથા સની દેઓલે અફવાઓેને રદિયો આપ્યો હતો અને તેમની સારવાર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. તે પછીના દિવસે પરિવારજનોની ઈચ્છા અનુસાર તેમને જુહૂ ખાતેના તેમના નિવાસસ્થાને લઈ જવાયા હતા. ઘરે જ આઈસીયુ વોર્ડ જેવી સવલતો ઊભી કરવામાં આવી હતી. હજુ થોડા દિવસો પહેલાં તો પરિવારજનોએ એવા સંકેત આપ્યા હતા કે તેમની તબિયત સુધરી રહી છે અને કદાચ આગામી ડિસેમ્બરમાં તેમના જન્મદિવસે ધામધૂમથી ઉજવણી પણ કરવામાં આવશે. જોકે, આજે બપોરે ૧૨ વાગ્યા આસપાસ અચાનક તેમના બંગલા આસપાસ ગતિવિધિ વધી ગઈ હતી. એક એમ્બ્યુલન્સ તેમના ઘરે પહોંચી હતી. તે પછી પરિવાર દ્વારા મોડે સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ ન હતી. આજે મીડિયાએ સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી આ અંગેના સમાચારો આપવાનું ટાળ્યું હતું. અંતે નિર્માતા-નિર્દેશક કરણ જોહરે સૌપ્રથમ સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપતા ધર્મેન્દ્રના નિધનની પુષ્ટી થઈ હતી.
ધર્મેન્દ્રના પરિવારજનો મુંબઈમાં રહેતા હતા. પરતં તેમે કેટલાય સમયથી મુંબઈ નજીકના લોનાવાલા ખાતેના ફાર્મ હાઉસને જ પોતાનું સ્થાયી આવાસ બનાવ્યું હતું. જોકે, મુંબઈથી દૂર રહેવા છતાં તેઓ બોલીવૂડથી અલિપ્ત રહ્યા ન હતા. છેક છેલ્લી ઘડી સુધી તેમણે ફિલ્મોમાં કામ ચાલુ રાખ્યું હતું. વાસ્તવમાં તેમની છેલ્લી ફિલ્મ 'ઇક્કિસ' હવે આગામી ડિસેમ્બરમાં રજૂ થવાની છે. ધર્મેન્દ્રએ કારકિર્દીની શરુઆત ૧૯૬૦માં 'દિલ ભી તેરા હમ ભી તેરે' ફિલ્મથી કરી હતી. તે પછી તેમણે 'આઈ મિલન કી બેલા, ફૂલ ઔર પથ્થર અને હકીકત સહિતની ફિલ્મો દ્વારા પોતાનું સ્થાન મજબૂત બનાવ્યુું હતું.
શોલે ઉપરાંત ધરમવીર, આંખે, જીવન મૃત્યુ, યાદો કી બારાત સહિતની ફિલ્મોએ તેમને સફળતાના શિખરે પહોંચાડી દીધા હતા. ૭૦ના દાયકામાં તેમણ સર્વાધિક હિટ ફિલ્મો આપી હતી. ૮૦ના દાયકામાં જ્યારે સમગ્ર બોલીવૂડ વિડીયો કેસટના આક્રમણ સામે હાંફી ગયું હતું ત્યારે ધર્મેન્દ્રની હકુમક, એલાન એ જંગ, તહેલકા તથા આગ હી આગ જેવી ફિલ્મો ટિકિટબારી પર ટંકશાળ પાડતી રહી હતી. વાસ્તવમાં ૧૯૭૦થી ૧૯૯૦નાં ૨૦ વર્ષો દરમિયાન તેઓ તેમની કારકિર્દીમાં મહત્તમ સક્રિય રહ્યા હતા અને આ સમયગાળામાં તેમણે કમર્શિલ કે આર્ટ, રોમાન્ટિક કે એક્શન એમ તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું હતું. છેલ્લા સાત દાયકાના બોલીવૂડના લગભગ દરેક પેઢીના કલાકાર સાથે તેમણે કોઈને કોઈ પ્રોજેક્ટમાં કોલબરેશન કર્યું હતુું.
ધર્મેન્દ્રએ ૩૦૦થી વધુ ફિલ્મોમાં લગભગ દરેક પ્રકારના રોલ ભજવ્યા છે. તેમણે રોમાન્ટિક અને હેન્ડસમ હિરો તરીકે તે જમાનાની યુવતીઓને ઘેલું લગાડયું હતું. ચુપકે ચુપકે જેવી ફિલ્મ દ્વારા તેમણે કોમેડીમાં પણ પોતાની હથોટી સાબિત કરી હતી. સત્યકામ જેવી ફિલ્મોએ તેમની કારકિર્દીને નવી ઊંચાઈ બક્ષી હતી.
જિંદગીના છેલ્લાં વર્ષોમાં તેમણે ચરિત્ર ભૂમિકાઓ ભજવવાનું ચાલુુ રાખ્યું હતું. મેટ્રો ઈન દિનો ફિલ્મમાં વયસ્ક સંવેદનશીલ પ્રેમીની ભૂમિકા ભજવીને તેમણે સૌને ચકિત કરી દીધા હતા. રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં તેમનો શબાના આઝમી સાથેનો કિસીંગ સીન ચર્ચાસ્પદ બન્યો હતો.
ધર્મેન્દ્રનો જન્મ ૧૯૩૫ની આઠમી ડિસેમ્બરે પંજાબમમાં નસરાલી ગામે થયો હતો. ૧૯ વર્ષની વયે તેમણે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યાં હતાં. તેમના અને પ્રકાશ કૌરના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ બંને બોલીવૂડના સફળ અભિનેતાઓ છે. ધર્મેન્દ્રએ અભિનેત્રી હેમા માલિની સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. હેમા સાથે તેમને એશા અને આહના બે દીકરીઓ છે. ધર્મેન્દ્ર રાજકારણમાં પણ સક્રિય થયા હતા અને ૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન તેઓ બિકાનેર લોકસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. જોકે, ત્યારબાદ તેમણે રાજકારણ છોડી દીધું હતું.
15 દિવસ પહેલાંના અનુભવની અસર
પરિવારે અંતિમ યાત્રા ટાળી અગ્નિદાહ સુધી સત્તાવાર જાહેરાત ના કરી
મુંબઈ : ધર્મેન્દ્રના પરિવારે તેમનાં નિધન અંગે આજે મોડે સુધી કોઈ સત્તાવાર ઘોષણા કરવાનું ટાળ્યું હતું. ૧૫ દિવસ પહેલાં ધર્મેન્દ્રની તબિયત લથડી ત્યારે જે રીતે તેમના નિધનની અફવા ફેલાવવામાં ઉતાવળ દાખવાઈ હતી અને તે પછી હોસ્પિટલ તથા ઘરની બહાર જે રીતે મીડિયા અને ચાહકો એકત્ર થઈ ગયા હતા તે બધા માઠા અનુભવોને કારણે પરિવારે આજે નિધન બાદ અંતિમવિધિ થઈ ગઈ ત્યાં સુધીમાં કોઈ સત્તાવાર જાહેરાત કરીને મીડિયાને એકત્ર કરવાનું ટાળ્યું હોવાનું માનવામાં આવે છે.
પાર્થિવ દેહને થોડા કલાકો માટે ચાહકોના અંતિમ દર્શન માટે મૂકવામાં આવે કે બોલિવૂડ સેલિબ્રિટીઓ અને સંબંધીઓ ઘરે આવે તથા ઘરેથી ફૂલોથી શણગારેલાં અને સદ્ગત સેલિબ્રિટીની મોટી તસવીર સાથેના વાહનમાં અંતિમ યાત્રા નીકળે એવું કશું જ ટાળવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રનું આજે નિધન થયા પછી શણગારેલી ટ્રકમાં સ્મશાનયાત્રા કાઢવાને બદલે સદ્ગતના પાર્થીવદેહને એમ્બ્યુલન્સમાં જૂહુના બંગલેથી વિલે- પાર્લેની પવનહંસ સ્મશાનભૂમિમાં લઇ જવામાં આવ્યો હતો.


