Get The App

ગિફ્ટ કંપનીમાં કર્મચારી દ્વારા જ 5.75 કરોડના સોનાના સિક્કાની ઉચાપત

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
ગિફ્ટ કંપનીમાં કર્મચારી દ્વારા જ 5.75 કરોડના સોનાના સિક્કાની ઉચાપત 1 - image


બે બોગસ ઓર્ડરો બનાવ્યા, ડિલિવરીના નકલી પુરાવા ઉભા કર્યા

ફાર્મા કંપનીના નામે ડિલિવરી મેળવ્યા બાદ લાંબા સમયથી પેમેન્ટ ન આવતાં માલિકને શંકા ગઈ

મુંબઈ: મુંબઈના પશ્ચિમી પરાંમાં આવેલ એક કોર્પોરેટ ગિફ્ટિંગ ફર્મના કર્મચારીએ નકલી ઓર્ડરના આધારે તેની જ કંપની સાથે ૫.૭૫ કરોડ રૂપિયાના સાત કિલો સોનાના સિક્કાની ઠગાઈ આચરી હતી. વનરાઈ પોલીસે આ પ્રકરણે માલિક સાથે છેતરપિંડી કરવાના આરોપસર  સુનિલ ગુપ્તાની ધરપકડ કરી છે. 

આ બાબતે વધુ વિગત આપતા વનરાઈ પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુપ્તા છેલ્લા બે વર્ષથી કોર્પોરેટ ગિફટ વસ્તુઓ બનાવતી એક કંપનીમાં કામ કરતો હતો. બે વર્ષના ગાળામાં ગુપ્તાએ કંપનીના માલિક અને ફરિયાદી નરેશ જૈનનો સારો વિશ્વાસ કેળવી લીધો હોવાથી જૈને તેને નાણાકીય વ્યવહારો સંભાળવાની પણ સત્તા આપી હતી. ગુપ્તા પાસે કંપનીના ઇમેલ એકાઉન્ટ્સ વગેરેની પણ એક્સેસ હતી. તેણે તેના માલિક જૈનને કહ્યું હતું કે એક પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ કંપનીએ કોર્પોરેટ ગિફ્ટિંગ માટે સોનાના સિક્કાનો ઓર્ડર આપ્યો છે.

આ ઓર્ડર માટે જૈને ૨.૪૬  કરોડના ૩.૪ કિલો સોનાના સિક્કા કરાવ્યા હતા. ત્યાર બાદ તેમણે ગુપ્તાને આ જથ્થો ડિલિવરી માટે આપ્યો હતો. ગુપ્તાએ ડિલિવરી થઈ ગઈ હોવાનું સાબિત કરવા માટે સ્ટેમ્પ્ડ અને સહી કરેલ ટેક્સ ઇન્વોઇસ સહિતના દસ્તાવેજો સબમિટ કર્યા હતા. ત્યાર બાદ ગુપ્તાએ જૈનને કીધું હતું કે આ ફાર્મા કંપનીએ બીજો ઓર્ડર પણ આપ્યો છે તેથી જૈને ૩.૧૭ કરોડ રૂપિયાના ૩.૬ કિલો સોનાના સિક્કા મોકલ્યા હતા તેવું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આ ગિફ્ટની ડિલિવરીને ઘણો સમય થયા બાદ પણ ફાર્મા કંપની દ્વારા પેમેન્ટની ચૂકવણી કરવામાં ન આવતા જૈને આ બાબતે ગુપ્તાને પૂછપરછ કરવા ગુપ્તાએ કબૂલાત કરી હતી કે ખરેખર તો સોનાના સિક્કાના ગિફ્ટનો આવો કોઈ ઓર્ડર જ નહોતો અને તેણે આ સિક્કાની ડિલિવરી કરવાની જગ્યાએ તેનો દુરુપયોગ પોતાના અંગત ફાયદા માટે કર્યો હતો. આ ઉપરાંત તેણે બોગસ ઇન્વોઇસ અને બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાની પણ કબૂલાત કરી હતી. ગુપ્તાએ જૈનને ખાતરી આપી હતી કે તેની નાણાકીય સમસ્યાઓ ઉકેલાઈ ગયા બાદ રકમ ચૂકવી દેશે. જોકે ગુપ્તાના આવા વર્તન અને છેતરપિંડીથી ડઘાઈ ગયેલા જૈન તાત્કાલિક આ બાબતે વનરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુપ્તાની સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.


Tags :