Get The App

દીપડાના ભોજન માટે એક કરોડના ખર્ચે બકરીઓ જંગલમાં છોડવામાં આવશે

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
દીપડાના ભોજન માટે એક  કરોડના ખર્ચે બકરીઓ જંગલમાં છોડવામાં આવશે 1 - image

દીપડાએ કૂતરાના શિકાર માટે ગામમાં આવવું નહીં પડે

દીપડાના હુમલાથી મોત માટે લાખોનું વળતર ચૂકવવુું  પડે છે તેના કરતાં ેક કરોડની બકરીઓ છોડવા આદેશઃ ગણેશ નાઇક

મુંબઈ -  દીપડાને કૂતરાના શિકાર માટે માનવવસ્તીમાં ઘૂસણખોરી કરતા અટકાવવાના ઉપાય તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી મોટી સંખ્યામાં બકરીઓને  જંગલમાં છોડી મૂકવામાં આવશે. જંગલમાં જ ભોજન મળી રહેવાથી દીપડા ગામમાં આવતા અટકશે. એમ જંગલ ખાતાના પ્રધાન ગણેશ નાઇકે આજે વિધાનસભામાં જણાવ્યું હતું.

રાજ્યમાં  દીપડાના હુમલાની ઘટનામાં થઇ રહેલા ભયજનક વધારા અંગે એનસીપી (એસપી)ના વિધાનસભ્ય જીતેન્દ્ર આવ્હાડે રજૂ કરેલી ધ્યાનાકર્ષક  દરખાસ્તના જવાબમાં ગણેશ નાઇકે આ માહિતી આપી હતી.

પ્રધાને જણાવ્યું હતું કે દીપડાના હુમલામાં ચાર વ્યક્તિ મૃત્યુ પામે તો સરકારે એક કરોડ રૃપિયાનું વળતર ચૂકવવું પડે છે. આટલું ઉચું વળતર ચૂકવવું ન પડે એટલા માટે એક કરોડની બકરીઓ જંગલમાં છોડી મૂકવાનું ફોરેસ્ટ ખાતાને જણાવ્યું છે જેથી દીપડા માનવવસ્તીમાં આવે જ નહીં.

મહારાષ્ટ્રના જે વિસ્તારોમાં દીપડાનો વધુ ત્રાસ છે ત્યાંના જંગલોમાં બકરીઓ છોડવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે. દીપડાની જીવનશૈલી બદલાઇ છે. પહેલાં તેઓ જંગલમાં વસતા એટલે જંગલી પ્રાણી ગણાતા હતા, હવે તેઓ શેરડીના ખેરતોરામાં વસવાટ કરવા માંડયા છે. પુણે, નાસિક અને અહિલ્યાનગરમાં વધુમાં વધુ દીપડાનો ભાસ છે. દીપડી એક સુવાવડમાં ચાર બચ્ચાં જણે છે. આમ દીપડાની આબાદી ઝડપથી વધી રહી છે.

દીપડાની વધતી જતી વસતીને રોકવા નસબંધીના ઉપાય વિશે પૂછવામાં આવતા નાઇકે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પ્રાયોગિક ધોરણે માત્ર પાંચ દીપડાની નસબંધી કરવાની અને તેનું શું પરિણામ આવે છે એને માટે ત્રણ વર્ષ રાહ જોવાનો રાજ્યના ફોરેસ્ટ ખાતાને નિર્દેશ આપ્યો છે. જો કે રાજ્ય સરકાર દ્વારા વધુ સંખ્યામાં દીપડાનું વંધ્યીકરણ કરી શકાય એ માટે કેન્દ્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

દીપડાને વાઘને માનવવસ્તીમાં જતા અટકાવવાના પ્રયાસ  રૃપે જંગલની ફરતે બાંબૂનું વાવેતર કરવામાં આવશે. અત્યારે જંગલમાં ફળ આવતા વૃક્ષો ઘટતા જાય છે. એટલે ફળાહારી અને શાકાહારી પ્રાણીઓ ઓછા થવા માંડયા છે. એટલે જ દીપડા અને વાઘ શિકારની શોધમાં માનવવસ્તીમાં પહોંચી જાય છે.

પુણે જિલ્લાના જુન્નરના  વિધાનસભ્ય શરદ સોનાવણેએ જણાવ્યું હતું કે મારા મતવિસ્તારમાં દીપડાનો વધુમાં વધુ ત્રાસ છે. અત્યાર સુધીમાં દીપડાના હુમલામાં ૫૫ લોકોએ જીવ ગુમાવ્યો છે.