મુંબઈના ગણપતિ પંડાલોમાં ચન્દ્રયાન-3 અને રામ મંદિરની ઝલક
ખેતવાડીમાં સૌથી ઊંચી 45 ફૂટની ગણેશ પ્રતિમા
દાદર, ક્રાફર્ડ માર્કેટના વિસ્તારોમાં ખરીદી માટે ભીડ, લાલબાગ, પરેલ સહિતના વિસ્તારોમાં ભારે ઉમંગ
મુંબઈ : ગણેશોત્સવના આવતીકાલથી પ્રારંભ પૂર્વે મુંબઈમાં ભારે ઉમંગ અને ઉત્સાહનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. નાની મોટી સોસાયટી, ગૃહ પ્રતિમા ઉપરાંત મોટા મંડળો દ્વારા પણ આજે ગણેશ પ્રતિમા લાવવામાં આવતાં શહેરના તમામ મુખ્ય માર્ગો અને પરાં વિસ્તારો ઉત્સવના રંગે રંગાયા હતા. દાદર અને ક્રાફડ માર્કેટમાં આજે પણ સજાવટની આઈટમો, શણગાર તથા ઘરે આવનારા મહેમાનો માટે ખરીદી કરવા ભારે ભીડ છેલ્લી ઘડી સુધી જામેલી રહી હતી.
આ વર્ષે મુંબઈના મોટા ગણેશ મંડળો દ્વારા દેશના ચંદ્રયાન-૩ પ્રક્ષેપણ મિશન, અયોધ્યા રામ મંદિર અને છત્રપતિ શિવાજી મહારાજના ૩૫૦ માં રાજ્યાભિષેકની વર્ષગાંઠને દર્શાવતું ભવ્ય ડેકોરેશન જોવા મળવાનું છે.
શહેરમાં અનેક પંડાલોમાં બાપ્પાની મૂતનું આગમન થઈ ગયુ છે અને આવતીકાલે ઢોલ તાશા અને મંત્રોચ્ચારની ગુંજ સાથે મૂતઓ પંડાલોમાં સ્થાપિત કરવામાં આવશે.સંખ્યાબંધ સોસાયટીઓમાં આજે સાંજે ગણેશ પ્રતિમા લાવવામાં આવી હતી. ઢોલ નગારાંના નાદ સાથે ,ગુલાલની છોળ ો ઉડાડતા અને મ્યુઝિક સિસ્ટમના ધમધમાટ વચ્ચે ગણેશ પ્રતિમાઓ લાઈનસર નીકળતાં માર્ગો પર અનેરો માહોલ રચાયો હતો.
ઘરે ગણેશ લાવનારા લોકોએ આજે તેમના મિત્રો સ્વજનોને ઘરે દર્શન માટે પધારવા નોતરાં પાઠવી દીધાં હતાં. છેલ્લી ઘડીની તૈયારીઓને પગલે ઓફિસોમાં બપોર પછી રજાનો માહોલ જોવા મળ્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈમાં લાલબાગના રાજા, માટુંગામાં જીએસબી સેવા મંડળના ગણપતિ અને અનેક પ્રખ્યાત ગણેશ મંડળોના ગણપતિના દર્શન કરવા માટે માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળશે તેવી શક્યતા છે. આ ભીડને પહોંચી વળવા માટે જુદી જુદી સરકારી એજન્સીઓએ પોતપોતાની રીતે તૈયારીઓ આદરી દીધી છે. પરેલ-લાલબાગ વિસ્તારમાં ઉમટી પડનારા લાખો લોકો માટે આડશો, રસ્તાના ડિમાર્કેશન સહિતની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વિસ્તારોમાં ટ્રાફિક તથા ભીડ મેનેજમેન્ટ માટે પોલીસને ફરજ પણ સોંપાઈ ચૂકી છે.