મુંબઈની મહાપાલિકા શાળાઓના ભોજનની ગુણવત્તા સામે સવાલ
ત્રણ લાખથી વધુ બાળકોની જિંદગી સાથે ચેડાં ઃ દાળના નામે પાણી અને હલ્કી ગુણવત્તાના ભાત અપાતા હોવાની પણ ફરિયાદો
મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી એનર્જી બારની ગુણવત્તા અંગે તપાસ શરુ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કેટલાંક કોર્પોરેટરોએ આ અંગે ગંભીર આક્ષેપો કર્યા બાદ મેયરે અધિકારીઓને સમગ્ર મામલાની તપાસ કરી બે અઠવાડિયામાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. આ મુદ્દો સામે આવતા શાળાના ભોજનની સુરક્ષા અને ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે.
કોર્પોરેટરોના જણાવ્યાનુસાર, કેટલીક શાળાઓમાં આપવામાં આવેલી એનર્જી બારમાં કાચના ટુકડા, પ્લાસ્ટિકના કણો અને નાના પથ્થરો જેવી વસ્તુઓ મળ્યાના આક્ષેપ થયા છે. આ બાર રુપે મોટે ભાગે ચિક્કીઓ અપાય છે. તે જળગાંવ અને ભિવંડીમાં બનાવવામાં આવી હોવાનું કહેવાય છે. સભામાં કેટલાંક સભ્યોએ શાળાઓમાં મળતા મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને દાળ પાતળી હોવા તથા ભાત યોગ્યપણે રંધાતા ન હોવાની પણ ફરિયાદો કરી હતી.
વિવિધ પક્ષોના નેતાઓએ ખાદ્ય પદાર્થોની નીચી ગુણવત્તા માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. જો ખોરાક ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ જાય તો કોન્ટ્રાક્ટરોની સુરક્ષા જમા રકમ જપ્ત કરવાની માગ પણ કરવામાં આવી છે. શિક્ષણ સમિતિના સભ્યોએ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે આવી ખામીયુક્ત વસ્તુઓ મહાનગરપાલિકાની ગુણવત્તા ચકાસણીમાંથી કેવી રીતે પસાર થઈ જતી હશે. જરુર જણાય તો વિતરકો સામે એફઆઈઆર નોંધવા અને મામલો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથઓરિટી ઓફ ઈન્ડિયા સમક્ષ મોકલવા સૂચન કરાયું છે.
આ એનર્જી બાર 'પીએમ પોષણ શક્તિ યોજના' હેઠળ વિદ્યાર્થીઓને વધારાનું પોષણ આપવા શરુ કરાઈ હતી. આ યોજના હેઠળ મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓમાં અભ્યાસ કરતાં આશરે ૩.૧ લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે, જેની અંદાજે કિંમત ૧૬૫ કરોડ રુપિયા છે. વિવાદ બાદ કેટલાંક કોર્પોરેટરોએ એનર્જી બારના બદલે દૂધ અથવા પરંપરાગત પૌષ્ટિક ખોરાક આપવાની અને કેન્દ્રીકૃત રસોડા વ્યવસ્થા શરુ કરવાની સલાહ આપી છે. જેથી શાળાઓમાં આપવામાં આવતું ભોજન વધુ સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત બની શકે.


