નેહરુ સાયન્સ સેન્ટરના ૪૦ વર્ષે જ્ઞાાન-વિજ્ઞાાન ઉત્સવની ઉજવણી
એ વખતે આખા મુંબઇમાંથી પસંદગી પામેલા ઉર્ધ્વી શાહે રાજીવ ગાંધી સાથેની સ્મૃતિ ગુજરાત સમાચાર સાથે તાજી કરી
મુંબઇ - ૧૯૮૫ની ૧૧, નવેમ્બરના યાદગાર દિવસે નેહરુ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ ભરપૂર શુભેચ્છાઓ સાથે કર્યું હતું. તે પ્રસંગે સ્વ. રાજીવ ગાંધીએ નેહરુ સાયન્સ સેન્ટર મુંબઇનાં વિદ્યાર્થીઓ -વિદ્યાર્થિનીઓના અભ્યાસમાં અને બુદ્ધિ કોૈશલ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
સાથોસાથ નેહરુ સાયન્સ સેન્ટરના તે ઉદ્ધાટન પ્રસંગે સ્વ. રાજીવ ગાંધી સાથે મુંબઇની શાળાઓનાં અસંખ્ય વિદ્યાર્થીઓમાંથી પસંદ થયેલી લગભગ છ -સાત વર્ષની એક માત્ર ગુજરાતી બાળકી ઉર્ધ્વી હસમુખ લાલ શાહ હાજર રહી હતી.
આજે તે પ્રસંગને ૪૦ વર્ષ પૂરાં થયાં છે ત્યારે શુભ યોગાનુયોગે નેહરુ સાયન્સ સેન્ટરમાં બાળકોના બુદ્ધિ કૌશલ્યના વિકાસ માટેના ઉમદા હેતુસર પઝલ કોર્નરનું ઉદ્ધાટન થયું છે. સાથોસાથ આજે પઝલ કોર્નરના ઉદ્ધાટન પ્રસંગે ઉર્ધ્વી બહેન શાહ પણ ૪૦ વર્ષ બાદ હાજર રહ્યાં હતાં તે યાદગાર સુયોગ સર્જાયો હતો.
આજે મુંબઇની એક સ્કૂલમાં શિક્ષિકાની ફરજ બજાવતાં અને પ્રાણી પ્રેમી ઉર્ધ્વી શાહે ભરપૂર ખુશી સાથે ગુજરાત સમાચારને કહ્યું હતું કે મારે સ્વ.વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે નેહરુ સાયન્સ સેન્ટરમાં હાજર રહેવાનું છે તેવા સંદેશો સાથે શાળાનો પત્ર મળ્યો ત્યારે તો હું માંડ છ-સાત વર્ષની હતી. વડા પ્રધાન કોણ કહેવાય અને મારે તેમની સાથે શા માટે ઉપસ્થિત રહેવાનું છે તેની મને તો જરાય સમજણ નહોતી.
હા, એટલી નાની ઉંમરે પણ હું મારાં માતાપિતા, શિક્ષકો, મિત્રો વગેરે સાથે બહુ જ આત્મવિશ્વાસથી વાતચીત કરી શકતી હતી. વળી, હું દેખાવમાં પણ સ્વર્ગની કોઇ પરી જેવી રૃપકડી લાગતી હતી. આ બંને બાબતોથી મારી પસંદગી થઇ હોવાનું મને આછું આછું યાદ છે. હું ૧૧, નવેમ્બર -- ૧૯૮૫ના યાદગાર દિવસે નેહરુ સાયન્સના ઉદ્ધાટન પ્રસંગે સ્વ. વડા પ્રધાન રાજીવ ગાંધીને મળી ત્યારે મને જોઇને તેઓ બહુ જ ખુશ થયા હતા.
મેં મહારાષ્ટ્રની પ્રસિદ્ધ નવવારી લીલી સાડી પહેરી હતી. મેં સ્વ.રાજીવ ગાંધીને ગુલાબનો નાનકડો પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો. તેમણે મારી સાથે બહુ મજેદાર વાતો કરીને કેટલાક સવાલ પણ પૂછ્યા હતા. સાથોસાથ વિજ્ઞાાનના પ્રયોગો પણ જોયા હતા એટલું યાદ છે. હું આજે નેહરુ સાયન્સ સેન્ટરની સ્થાપનાને ૪૦ વર્ષ થયાં છ ે ત્યારે એ જ લીલીછમ સ્મૃતિઓ સાથે ઉપસ્થિત રહી છું તેનો મન-હૃદયથી ભરપૂર આનંદ છે.


