દિવાની બાળકીને એક માસ પહેલાં કૂતરું કરડયું હતું
એક પછી એક ચાર ડોઝ અપાયા છતાં પણ હાલત બગડતી ગઈઃ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ
મુંબઈ: થાણે જિલ્લાના દિવામાં રખડતા કૂતરાએ કરડયાના લગભગ એક મહિના પછી રવિવારે પાંચ વર્ષની બાળકીનું હડકવા (રેબીઝ)થી મોત થયું હતુ. હડકવા વિરોધી રસીના ચાર ડોઝ લીધા હોવા છતાં બાળકીનું મોત થયું હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.
આ બાબતે બાળકીના પરિવારના જણાવ્યા મુજબ દિવાના આગાસન રોડ પર સાંઈબાબા વનગરમાં રહેતી મૃતક નિશા શિંદેને ૧૭ નવેમ્બરના રોજ રાત્રે ૯.૩૦ વાગ્યાની આસપાસ ઘરની બહાર રમતી વખતે એક કૂતરાએ તેના પર હુમલો કર્યો હતો અને તેને ખભા પર કરડયો હતો આ ઘટના બાદ તાત્કાલિક તેને ડોંબિવલીની શાસ્ત્રી નગરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોકટરોએ તેને હડકવા વિરોધી રસીના ડોઝ આપવાની શરૂઆત કરી હતી અન ે તેને પહેલો ડોઝ આપવામાં આવ્યો ત્યારબાદ ૨૦ નવેમ્બર, ૨૪ નવેમ્બર, ૧૫ ડિસેમ્બરના રોજ મળી કુલ ચાર ડોઝ આપવામાં આવ્યા હતા.
બાળકીના એક સંબંધીના કહેવા મુજબ ચોથા ડોઝ બાદ તેની હાલત વધુ બગડી હતી અને તેનવે શાસ્ત્રીનગરની હોસ્પિટલમાં પાછી લઈ જવામાં આવી હતી. અહીં ડોકટરોએ તેને રેબીઝ થયો હોવાનું જણાવ્યું હતું. બાળકીને અદ્યતન સારવાર માટે મુંબઈની કસ્તુરબા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. અહીંના ડોકટરો પણ તેને બચાવી શક્યા નહોતા અને તેનું ૨૧ ડિસેમ્બરના રોજ મોત થયું હતું. આ ઘટના બાદ પરિવારે ડોમ્બિવલીની હોસ્પિટલમાં આપવામાં આવતી સારવાર અંગે ગંભીર ચિંતા વ્યકત કરી હતી. આ સાથે જ આવી ઘટનાઓને રોકવા રખડતા કૂતરાઓની વસ્તીને નિયંત્રિત કરવા તાત્કાલિક પગલાં લેવાની માગ કરી હતી. આ બાબતે એક સ્થાનિક કાર્યકરે જણાવ્યું હતું કે અહીં રખડતા કૂતરાઓનો ત્રાસ ખૂબ વકર્યો છે.


