Mumbai

યુવતીએ પ્રેમી સાથે મળી મંગેતરને લોહગઢ કિલ્લા પરથી ધકેલી દઈ હત્યા કરી

By GS TEAM
24 Jun 20264 mins read
યુવતીએ પ્રેમી સાથે મળી મંગેતરને લોહગઢ કિલ્લા પરથી ધકેલી દઈ હત્યા કરી

- પ્રેમમાં આંધળી 20 વર્ષની સિયા હત્યારી 'બાઝીગર' બની ગઈ

- નવે.માં લગ્ન હતાં, જન્મદિવસે ફરવાને બહાને લોહગઢ લઈ જઈ 400 ફૂટ નીચે ધકેલ્યા બાદ ટ્રેકિંગમાં લપસી ગયાનું નાટક 

મુંબઈ : પુણેના લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ કરતી વખતે ખીણમાં પડી જવાથી ૨૬ વર્ષીય યુવાન ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના મૃત્યુના કેસમાં હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ કોઈ અકસ્માત નહોતો પરંતુ કેતનની ભાવિ પત્ની સિયા ગોયલ દ્વારા તેના પ્રેમી ચેતન ચૌધરીની મદદથી ઠંડે કલેજે કરવામાં આવેલી હત્યા હતી. પોલીસે બંને મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે અને તેમણે ગુનો કબૂલી લીધો છે. બંનેએ કેતનને ખીણમાં ધકેલી દીધો હતો અને બાદમાં ટ્રેકિંગ કરતી વખતે ફોટોગ્રાફી કરવા જતાં કેતન ખીણમાં પટકાયો હોવાની ઘટના ઉપજાવી કાઢી હતી.  ફિલ્મ 'બાઝીગર'માં શાહરુખ ખાન શિલ્પા શેટ્ટીને પ્રેમનું નાટક રચ્યા બાદ ઊંચી  બિલ્ડિંગ પરથી ફેંકી દઈ હત્યા કરે છે તેમ અહીં પ્રેમમાં આંધળી બનેલી ૨૦ જ વર્ષની યુવતી સિયાએ મંગેતર કેતનને મીઠી મીઠી વાતોમાં ફસાવી કિલ્લા પરથી ધકેલી દીધો હતો. 

પુણેના એક અગ્રણી  બિલ્ડર વિશાલ અગ્રવાલ પરિવારના  ૨૬ વર્ષીય યુવક કેતનની સગાઈ ૨૦ વર્ષની  સિયા સાથે થઈ હતી. આગામી નવેમ્બરમાં તેમના જયપુર ખાતે ડેસ્ટિનેશન વેડિંગ થવાનાં હતાં. ગઈ ૧૮મી જૂને  સિયાના જન્મદિને કેતન તથા સિયા  લોહગઢ ફરવા તથા ટ્રેકિંગ માટે ગયાં હતાં.  ત્યાં કેતન ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં પટકાતાં તેનું  મોત નીપજ્યું હતું. કલાકોની શોધખોળ બાદ કેતનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.  સિયાએ પોલીસ સહિત અન્યોને જણાવ્યું હતું કે  ટ્રેકિંગ કરતાં કરતાં ફોટા પાડવા જતાં કેતનનો પગ લપસ્યો હતો. તેણે સંતુુલન ગુમાવ્યું હતું અને તે ખીણમાં પટકાયો હતો. આ નિવેદનના આધારે લોનાવાલા પોલીસે પણ આકસ્મિક મોતનો કેસ નોંધ્યો હતો. 

જોકે, કેતન બહુ જ નિષ્ણાત ટ્રેકર હતો. તે લોહગઢ પર અનેક વખત ટ્રેકિંગ કરી ચૂક્યો હતો. આથી તેનાથી કોઈ ચૂક થાય તે વાત તેના પરિવારને માનવામાં આવતી ન હતી. કેતનના પરિવારે આ અંગે પોલીસ સમક્ષ શંકા વ્યક્ત કરી હતી. આથી પોલીસે ફરી લોહગઢમાં કેતન લપસી ગયો તે  દિવસનાં સમગ્ર સીસીટીવી  ફૂટેજ તપાસવા  શરુ કર્યાં હતાં. પુણે ગ્રામીણના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ  સંદીપ સિંહ ગિલે મંગળવારે જણાવ્યું હતું કે મૃત્યુની આસપાસના સંજોગો શંકાસ્પદ લાગતા હતા. જેના કારણે પોલીસે કેસની સંપૂર્ણ તપાસ શરૂ કરી હતી.

પોલીસને તપાસ વખતે ખબર પડી  હતી કે સિયાને પુણેના કોંઢવાના રહીશ ૨૩ વર્ષીય યુવક ચેતન બાબુલાલ ચૌધરી સાથે પ્રેમ સંબંધ છે. સિયાના પિતા મસાલાના બહુ મોટા વેપારી છે. તેમની દુકાન પાસે જ  ચેતનની પણ દુકાન હતી  તેથી સિયા અને ચેતન પરિચયમાં આવ્યાં હતાં.  પોલીસે આ દિશામાં વધુ તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે તે દિવસે ચેતન પણ લોહગઢ કિલ્લા પર ચેતન અને સિયાની સાથે જ હતો.  

સિયા કેતન સાથે લગ્ન કરવા તૈયાર  ન હતી. આથી  સિયા તથા ચેતને કેતનનો કાંટો કાઢી નાખવા કાવતરું ઘડયું હતું. સિયા  કેતનને ફરવાના બહાને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ હતી.   આરોપી ચેતનને પાછળથી આ સ્થળ પર બોલાવવામાં આવ્યો હતો.  ત્યારબાદ બંનેએ કથિત રીતે કેતનને કિલ્લા પરથી ધક્કો મારી દીધો હતો.જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

એસપી  ગિલે જણાવ્યું હતું કે કેતનના પિતા વિશાલ અગ્રવાલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ  લોનાવાલા ગ્રામીણ પોલીસે મંગળવારે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ  હેઠળ હત્યા અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો હતો. બંનેની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે તેમને ૨૯મી જૂન સુધીના રિમાન્ડ આપ્યા હતા. 

કેતનના પિતા વિશાલ અગ્રવાલે કહ્યું હતું કે  જ્યારે પોલીસ મારા દીકરાનો મૃતદેહ લઈને આવી ત્યારે સિયાએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. તેના ચહેરા પર કોઈ દુ:ખની લાગણી નહોતી.

પોલીસે જણાવ્યું હતું કે ઘટનાઓનો ચોક્કસ ક્રમ સ્થાપિત કરવા, ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવા અને હત્યાના કાવતરામાં અન્ય વ્યક્તિઓ સામેલ હતા કે કેમ તે નક્કી કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

કેતનના પરિવારનું કલ્પાંત : લગ્નની ના પાડી દેવી હતી, જીવ કેમ લીધો

કેતનના પિતા વિશાલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં કહ્યું હતું કે સિયા પ્રવીણ ગોયલને પહેલેથી જ અન્ય યુવક સાથે અનૈતિક સંબંધ હતો. તેણે મારા પુત્ર કેતન સાથે સગાઈ કરી હતી પરંતુ સિયાનો આખો પરિવાર તેનાં અફેર તથા તેનાં ચારિત્ર્ય વિશે  વાકેફ હતા. છતાં તેમણે  જાણી જોઈને સત્ય છુપાવ્યું અને અમને છેતર્યા હતા.અમે પીડિત માતા-પિતા હૃદયથી શ્રાપ આપી  ન્યાય માટે પોકાર કરી રહ્યા  છીએ.  છોકરીએ અગાઉ કેતનનો જીવ લેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.અંતે ૧૮મી તારીખે  તેણે  તેના મિત્રની મદદથી   મારા પુત્રનો ક્રતાથી જીવ લઈ લીધો હતો.

સમાજને  અમારો એક જ પ્રશ્ન છે જો તે છોકરીનું વર્તન આવું હતું તો સંબંધ સરળતાથી તોડી શકી હોત, અમારા માસૂમ પુત્રનો જીવ લેવાની શું જરૂર હતી? આ  નુકસાનની ભરપાઈ કોણ કરશે? એમ તેમણે જણાવ્યું હતું.