એપ્રિલમાં આદેશ અપાયા છતાં કાર્યપૂર્તિ નહીં
મુંબઈની ૪૪૧ સ્કૂલોનું પણ જિઓ મેપિંગ થયું નથી, ૧૦ દિવસમાં મેપિંગ કરવાનો આદેશ
મુંબઈ - 'જિઓ ટેગિંગ' કરવામા ં બેદરકારી દાખવવાને લીધે રાજ્યની ૩,૭૯૮ સ્કૂલોનું હજી જિઓ મેપિંગ થયું નથી. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા વારંવાર સૂચના આપવા છતાં વિલંબ થતો હોવાને લીધે સંબંધિત સ્કૂલોને ૧૦ દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ શિક્ષણ કમિશ્નર સચિંદ્રપ્રતાપ સિંહે આપ્યો છે.
રાજ્યન ી સ્કૂલોને ભૌતિક સુવિધાઓ સહિત સ્કૂલના સ્થાનનું 'જિઓ ટેગિંગ' કરવું ફરજિયાત કરાયું છે. તે મુજબ રાજ્યની આસપાસ ૧,૦૪,૩૬૭ સ્કૂલોનું મેપિંગ પૂર્ણ કરાયું છે. જ્યારે કુલ ૩,૭૯૮ સ્કૂલોએ જિઓ ટેગિંગ અને મેપિંગ સંદર્ભે કોઈ પ્રક્રિયા પૂર્ણ કરી નથી.
મુંબઈ શહેર તેમજ ઉપનગર આ બે જિલ્લામાં ૪,૦૮૫ જેટલી સ્કૂલો છે. તેમાં મુંબઈ શહેરમાં ૧,૭૪૨ સ્કૂલોમાંથી ૧,૭૩૮ સ્કૂલોનું મેપિંગ થઈ ગયું છે અને માત્ર ચાર સ્કૂલોનું મેપિંગ બાકી છે. જ્યારે ઉપનગરીય વિસ્તારમાં ૨,૩૪૩ સ્કૂલોમાંની ૧,૯૦૬ સ્કૂલોનું મેપિંગ થયેલું છે. જ્યારે ૪૩૭ સ્કૂલોનું મેપિંગ હજી બાકી છે.
સંબંધિતોએ સ્કૂલનું મેપિંગ શા માટે કર્યું નથી, સ્કૂલ બંધ હોય તો તે બાબતે શિક્ષણાધિકારીએ તપાસ કરી માહિતી અપડેટ કરવાનો આદેશ પણ શિક્ષણ કમિશ્નરે આપ્યો છે. મેપિંગ ન કરેલી સ્કૂલોનો અહેવાલ તમામ શિક્ષણાધિકારી, પ્રશાસકીય અધિકારીએ વિભાગીય શિક્ષણ ઉપસંચાલકને આપવાનો છે.
સ્કૂલોનું ભૌતિક સ્થળ ફોટોગ્રાફ સાથે ટેગ કરી તમામ સુવિધાની માહિતી ભેગી કરવા માટે મહારાષ્ટ્ર રિમોટ સેન્સિંગ એપ્લિકેશન સેન્ટર સંસ્થા દ્વારા 'મહાસ્કૂલ જીઆઈએસ મોબાઈલ એપ્લિકેશન' વિકસિત કરાયું છે. તેમાં 'જિઓ ટેગિંગ'ની પ્રક્રિયા પૂર્ણ કરવા બાબતની સૂચના રાજ્યભરની સ્કૂલોને એપ્રિલમાં અપાઈ હતી. છતાં હજી ત્રણ હજાર સ્કૂલોનું મેપિંગ બાકી છે.


