- હજારો લોકોએ આખી રાત કડકડતી ઠંડીમાં હાઈવે પર વિતાવી
- ભૂખ-તરસથી લોકો બેહાલ: શૌચાલયના અભાવે કફોડી સ્થિતિ: ગેસ લીકેજ બંધ કરવા એનડીઆરએફ તથા ઓઈલ કંપનીઓની મદદ લેવાઈ: જૂનો હાઈવે પણ જામ
મુંબઈ : મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખંડાલા ઘાટ વિભાગમાં ગઈકાલે મોડી સાંજે એક ગેસ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ તેમાંથી ગેસ લીકેજ થવાના કારણે ૨૪ કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક ખોરવાયો હતો.હજારો વાહનો આ ટ્રાફિક જામમાં અટવાઈ ગયાં હતાં. કાર, બસ સહિતના વાહનોમાં પ્રવાસ કરતા હજારો લોકોએ મંગળવારની આખી રાત ઘાટ વિસ્તારમાં કડકડતી ઠંડીમાં ભૂખ્યા તરસ્યા વિતાવી હતી. ખોરાક, પાણી વિના લોકો ટળવળ્યા હતા. વોશરુમ જવા ઈચ્છતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો તથા બીમાર લોકોની હાલત કફોડી બની હતી. દેશનાં મહત્વનાં બે શહેર વચ્ચેનો એક્સપ્રેસ હાઈવે આ રીતે ૨૪-૨૪ કલાક માટે ઠપ થઈ જતાં લોકોએ સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ વરસાવ્યો હતો. ગેસ લીકેજની અસર નિવારવા માટે પેટ્રોલિયમ કંપનીઓના નિષ્ણાતોને કામે લગાડાયા હતા. હાઈવે પોલીસને ટ્રાફિક મેનેજ કરવામાં નાકે દમ આવી ગયો હતો.
ગઈકાલે સાંજે પાંચ વાગ્યે આડોશી ટનલ પાસે ગેસ ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતું. એક્સપ્રેસવે કંટ્રોલ રૂમ અનુસાર ગેસ ટેન્કર અત્યંત જ્વલનશીલ પ્રોપીલીન ગેસ વહન કરી રહ્યું હતું. ટેન્કરમાંથી હજુ પણ જ્વલનશીલ પ્રોપીલીન ગેસ લીક ??થઈ રહ્યો હોવાથી, પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ),સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) અને ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ) ની ટીમોને તૈનાત કરવામાં આવી હતી. પુણેથી મુંબઈ તરફની લેન સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી હતી. અનેક વાહનો જૂના પુણે હાઈવે તરફ ડાઈવર્ટ થતાં ત્યાં પણ ટ્રાફીકિ જામ સર્જાયો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતના સ્થળે બીજું ટેન્કર લાવવામાં આવ્યું છે.પલટી ગયેલા વાહનમાંથી ગેસ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ચાલુ છે.સમગ્ર પ્રક્રિયામાં ખાસ્સો સમય લાગ્યો હતો.
આજે બપોર પછી ધીમી ગતિએ મુંબઈ તરફ વાહનોને જવાની મંજૂરી અપાઈ હતી. પરંતુ, હજારો વાહનો રસ્તામાં અટક્યાં હોવાથી આ ટ્રાફિક ગોકળગાયની ગતિએ આગળ વધતો હતો.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી)ના એક નિવેદનમાં જણાવાયું છે કે વાહન અને મુસાફરોની સલામતીના હિતમાં મુંબઈ જતો કેરેજવે બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે એક્સપ્રેસ વેના મુંબઈ અને પુણે જતા બંને લેન પર ટ્રાફિક જામ થયો હતો.
હાઇવે ટ્રાફિક પોલીસે વાહનચાલકોને જ્યાં સુધી ટ્રાફિક સામાન્ય ન થાય ત્યાં સુધી એક્સપ્રેસ વે પર મુસાફરી કરવાન ટાળવા અપીલો પ્રસારિત કરવી પડી હતી.
મુંબઈ-પુણે એક્સપ્રેસવે ભારતનો પ્રથમ છ -લેન પહોળો કોંક્રિટ, એક્સેસ- કોન્ટ્રોલડ ટોલ એક્સપ્રેસવે છે. તે મુંબઈ, રાયગઢ અને નવી મુંબઈને પુણે સાથે જોડતો ૯૪.૫ કિમીનું અંતર ધરાવે છે.
આ ઘટના રાયગઢ જિલ્લાના આડોશી ટનલ પાસે બની હતી.ટેન્કર કથિત રીતે ખૂબ જ ઝડપે જઈ રહ્યું હતું, ડ્રાઈવરે ઢાળને કારણે કાબુ ગુમાવી દીધો અને ટેન્કર પલટી ગયું હતું. અકસ્માત પછી તરત જ ટેન્કરમાંથી ગેસ લીક થવા લાગ્યો મળ્યો હતો.જેના કારણે વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે સાવચેતીના પગલા રૂપે મુંબઈ તરફનો ટ્રાફિક બંધ કરી દીધો હતો.
મુંબઈ તરફનો ટ્રાફિક પુણે જનારા કેરેજવે પર વાળવામાં આવ્યો હતો. જોકે, ટેન્કરમાંથી સતત ગેસ લીકેજ થવાને કારણે સામાન્ય અવરજવર પૂર્વવત્ત થઈ શકી ન હતી.વાહનોની લાંબી કતારો લાગી હતી અને પુણે જનારા વાહનચાલકો માટે પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો, એમ એક્સપ્રેસ વે કંટ્રોલ રૂમના એક અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પલટી ગયેલા ટેન્કરમાંથી જ્વલનશીલ પ્રોપીલીન ગેસ લીક ??થવાનું ચાલુ હોવાથી એનડીઆરએફ,એસડીઆરએફ અને ભારત પેટ્રોલિયમની નિષ્ણાત ટીમોને બચાવ કામગીરી સંભાળવા માટે બોલાવવામાં આવી છે.


