દાદર સ્ટેશને પ્લેટફોર્મ પર જ મહિલાઓ દ્વારા ગરબા

ચાલુ લોકલે પણ ગરબા રમાય છે
પ્લેટફોર્મ પર બેગનો ઢગલો કરી આસપાસ ગરબે ધૂમતી મહિલાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ
મુંબઈ - મુંબઇની લોકલો તેની ભીડ, વિલંબ કે પછી પ્રવાસીઓના રોજિંદા સંઘર્ષ માટે ખૂબ જાણીતી એવી છતાં મુંબઇગરાંની લાઇફલાઇન છે. તહેવારોના દિવસોમાં પ્રવાસીઓના ગુ્રપ વિવિધ રીતે ઉજવણી કરતા જોવા મળે છે. હાલમાં ચાલતા નવરાત્રિના દિવસોમાં બુધવારે મહિલા પ્રવાસીઓનું એક જૂથ દાદર સ્ટેશને પ્લેટફોર્મ પર ગરબા કરતું જોવા મળ્યું હતું. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
મુંબઇગરાંનો મોટા ભાગનો સમય પ્રવાસમાં જાય છે. એવામાં તહેવારના દિવસોમાં પણ આ પ્રવાસીઓ પ્રવાસ દરમિયાન તહેવારની મોજ-મજા કરી લેતા અવારનવાર દેખાય છે. નવરાત્રિમાં લોકલની અંદર ગરબા રમતા પ્રવાસીઓના વિડીયો કે પછી માતાજીના ગરબા કે સ્તુતિ કરતી મહિલાઓના વિડીયો દર વર્ષે વાયરલ થાય છે. આ વર્ષે પણ આવા અનેક વિડીયો જોવા મળ્યા છે. તેમાંથી બુધવારે મહિલાઓ દ્વારા દાદર સ્ટેશને ગરબાનો એક વિડીયો પણ વાયરલ થયો હતો.
સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેને સમાવતા દાદર સ્ટેશને કાયમ ભીડ રહે છે. એવામાં કેટલીક મહિલા પ્રવાસીઓએ સ્ટેશનના એક પ્લેટફોર્મ પર ગરબા કર્યા ત્યારે સ્ટેશનની ભીડનું ધ્યાન ખેંચાયું હતું. પોતાની બેગનો વચ્ચે ઢગલો કરીને રમતી મહિલાઓની ગરબાની રમઝટ જોવા લોકો ઉભા રહી ગયા હતા. તેમાંથી એકાદ પ્રવાસીએ વિડીયો ઉતારીને તરત સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો.
આવો જ એક વીડિયો ગયા ગુરુવારે વાયરલ થયો હતો. બોરીવલીથી ચર્ચગેટ જતી સવારે ૧૦.૧૬ની એસી લોકલમાં મહિલાઓએ ગરબા રમ્યા હતા.









