મુંબઈમાં છેલ્લા 3 નોરતામાં મધરાત સુધી ગરબાની છૂટ

આવતી કાલથી મધરાત સુધી રંગત જામશે
દર વખતે બે નોરતા પૂરતી મંજૂરી અપાતી હતી, આ વખતે વધુ એક નોરતામાં છૂટ
મુંબઈ - મહારાષ્ટ્ર સરકારે બે ને બદલે ત્રણ નોરતામાં મધરાત સુધી ગરબા-રાસની રમઝટ કરવાની છૂટ આપી છે. સોમવાર તા. ૨૯, મંગળવાર તા. ૩૦ અને બુધવાર તા. ૧ ઓક્ટોબર એમ છેલ્લા નોરતાં વખતે મુંબઈગરાને રાતના ૧૨ વાગ્યા સુધી ગરબા રમી શકશે.
પોલીસ કમિશનરેટ હસ્તકના વિસ્તારમાં રાતના ૧૦ વાગ્યા સુધી જ જાહેરમાં માઇક કે સાઉન્ડ સિસ્ટમના ઉપયોગની છૂટ હોય છે. જોકે રાજ્ય સરકાર વર્ષ ૧૩ દિવસો દરમિયાન આ સમયમર્યાદામાં છૂટ આપી શકે છે.
તે સંદર્ભમાં રાજ્ય સરકાર દર વખતે મોટાભાગે છેલ્લા બે નોરતાં પૂરતી છૂટ આપે છે.
આ વખતે સંખ્યાબંધ ગરબાના આયોજકોએ શનિવારે તા. ૨૭ રાતે ૧૨ વાગ્યા સુધી સાઉન્ડ સિસ્ટમ પર ગરબા રમવાની છૂટ માગી હતી.
આ અંગેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ શનિવારને બદલે સોમવારથી બુધવાર એમ ત્રણ દિવસ ગરબા રમવાની છૂટ આપી છે.








