દાઉદ ,સલીમ ડોલા અને ઉમેદ-ઉર રહેમાન સહિતના ગેંગસ્ટર્સ એમડી ડ્રગના કારોબારમાં
અન્ડરવર્લ્ડનનું ફોક્સ હવે ખંડણી કરતાં પણ એમડી ડ્રગ પર વધ્યું
એમડીડ્રગના વેપારમાં સાજિદ ઈલેક્ટ્રિકવાલાના અપહરણમાં છોટા શકીલ ગેંગની સંડોવણીની તપાસમાં એજન્સીઓને માહિતી મળી
મુંબઈ - દાઉદ ઈબ્રાહિમ ગેંગ ઉપરાંત સલીમ ડોલા અને ઉમેદ ઉર રહેમાન જેવા ગેંગસ્ટરોએ હવે એમડી ડ્રગ સહિત અન્ય નાર્કોટિક્સના ધંધામાં ઝંપલાવ્યું છે. કેટલાય ગેંગસ્ટરો અગાઉ કસદાર ગણાતા ખંડણીના ધંધાને બદલે હવે ડ્રગના વ્યાપારમાં ખૂંપી રહ્યા છે. મુંબઈ સહિત દેશના મહત્ત્વના શહેરોમાં એમડી ડ્રગ્ના નેટવર્કને મજબૂત બનાવવા માટે પાકિસ્તાન અને દુબઈથી ફન્ડિંગ થતું હોવાના સગડ તપાસ એજન્સીઓને મળ્યા છે.
અંડરવર્લ્ડ સિન્થેટિક ડ્રગ મેફેડ્રોન (એમડી)ના ઉત્પાદન અને હેરાફેરીમાં મોટાપાયે સક્રીય બન્યું છે. આ ગેરકાયદે વેપારમાં કુખ્યાત ગેંગસ્ટર સલીમ ડોલા અને ઉમેદ-ઉર-રહેમાન સહિત અન્યોના નામ કિંગ પિન તરીકે સામે આવી રહ્યા છે.મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર અંડરવર્લ્ડની કામગીરીમાં આ સૂચક ફેરફારો જોવા મળ્યા છે. જેવા દાઉદ ઇબ્રાહિમ, સલીમ ડોલા અને ઉમેદ-ઉર-રહેમાન સહિત અન્ય ગેન્ગસ્ટરો મુંબઈ અને દેશના મહત્ત્વના શહેરમાં એમડીના નેટવર્કને મજબૂત કરવા પ્રયત્નશીલ હોવાનું જાણવા મળ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચે થોડા સમય પહેલા ડ્રગ માફિયા સાજિદ ઇલેક્ટ્રિવાલાના અપહરણનો પર્દાફાશ કર્યો હતો. એમડી ડ્રગના વેપારની તકરારમાં તેનું અપહરણ થયાનું સ્પષ્ટ થયું હતું. સાજિદે કથિત રીતે એમડી કન્સાઇનમેન્ટ માટે એડવાન્સ પમેન્ટ લીધું હતું, પરંતુ એમડીની ડિલિવરી કરવામાં નિષ્ફળ ગયા બાદ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે આ કેસમાં ઝડપાયેલા ૧૪ આરોપીઓમાંથી એક સરવર ખાન અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના પાકિસ્તાન સ્થિત ભાઈ અનવર શેખ સાથે સંપર્કમાં હતો. અનવરભાઈ તરીક પણ ઓળખાતો અનવર શેખ ૧૯૮૪માં ભારત છોડી ભાગી ગયો હતો. તે હત્યા અને ખંડણી સહિતના અનેક કેસોમાં વોન્ટેડ છે.
પૂછપરછ દરમિયાન સરવાર ખાને કથિત કબૂલાત કરી હતી કે અનવરે સાજિદને એમડી બનાવવા માટે રૃ. ૫૦ લાખ ચૂકવ્યા હતા. જ્યારે સાજિદ ડ્રગ્સ પહોંચાડવામાં નિષ્ફળર ગયો ત્યારે પૈસા પાછા મેળવવા તેનું અપહરણ કરવામાં આવ્યું હ તું. સરવારે એવો પણ દાવો કર્યો હતો કે અનવરનો હેતુ ઉત્પાદિત એમડીને સલીમ ડોલા અને ઉમેદ-ઉર-રહેમાન દ્વારા વિતરણ માટે મોકલવાનો હતો. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ ૫૭ વર્ષીય સલીમ ડોલાની ધરપકડમાં ઉપયોગી બને તેવી માહિતી માટે એક લાખનું ઇનામ જાહેર કરેલું છે.તે હજી પણ ફરાર છે. જ્યારે છોટા રાજન ગેંગના એક સમયે મોસ્ટ વોન્ટેડ શૂટર ગણાતા ઉમેદ-ઉર-રહેમાનની મુંબઈ પોલીસે એક દાયકા પહેલા ધરપકડ કરી હતી, પરંતુ હાલ તે ફરાર છે.