Mumbai

દૌહિત્રના હત્યારા ગેંગસ્ટરે બાંધેલા હાથે, કાળું કપડું ઢાંકેલી હાલતમાં ફોર્મ ભર્યું

By GS TEAM
28 Dec 20252 mins read
દૌહિત્રના હત્યારા ગેંગસ્ટરે  બાંધેલા હાથે, કાળું કપડું ઢાંકેલી હાલતમાં  ફોર્મ ભર્યું

પુણેમાં ગેંગસ્ટર બંદુ આંદેકરને જેલમાંથી ફોર્મ ભરવા માટે લવાયો

એનસીપીના નેતા  પુત્રની હત્યાનો બદલો લેવા દૌહિત્રની હત્યામાં ગેંગસ્ટરના અનેક પરિવારજનો જેલમાં છેઃ અદાલતે મંજૂૂરી આપ્યા બાદ ઉમેદવારીપત્ર ભર્યું  

મુંબઈ -  પુણેમાં કુખ્યાત ગેંગસ્ટર બંડુ આંદેકરે આજે બાંધેલા હાથ અને કાળાં કપડાંથી સમગ્ર મોઢું ઢાંકેલી હાલતમાં જેલમાંથી ચૂંટણી અધિકારીની ઓફિસે આવીને મ્યુનિસિપલ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. આ સમયે તેના અનેક ટેકેદારોએ સૂત્રોચ્ચારોથી વાતાવરણ ગજાવ્યું હતું. 

બાંદેકર સહિત તેના અનેક પરિવારજનો તેના સગા દૌહિત્ર આયુષ કોમકરની હત્યા માટે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ગઈકાલે પુણેની મકોકા કોર્ટે બાંદેકરને મ્યુનિસિપલ ચૂંટણીમાં ફોર્મ  ભરવા પરવાનગી આપી હતી. તેને પગલે  આજે સઘન પોલીસ બંદોબસ્ત હેઠળ તેને ચૂંટણી અધિકારીની ઓફિસે લવાયો હતો. પોલીસે તેના હાથ બાંધી રાખ્યા હતા અને યરવડા જેલમાંથી તેને પોલીસ વાન દ્વારા ભવાની પેઠ ખાતેની રિટર્નિંગ અધિકારીની ઓફિસે લવાયો હતો. વાનમાંથી તેને નીચે ઉતારીને એક પોલીસ જવાન દોરડાંથી તેને દોરવીેને લાવ્યો હતો. તેના ખભાથી ઉપરના સમગ્ર ભાગ પર કાળું કપડુું બાંધી દેવામાં આવ્યું હતું. આવી હાલતમાં પણ બાંદેકર તેના ટેકેદારો સમક્ષ હાથ હલાવી  અભિવાદનની મુદ્દામાં જાણે સરકારી કચેરીએ રોફથી ચાલતો ચાલતો આવ્યો હતો અને પોતાનું ફોર્મ ભર્યું હતું. બાંદેકરે પોતે જ પોતાના ટેકામાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. 

તેની પુત્રવધૂ સોનાલી આંદેકર તથા ભાભીએ પણ કોર્ટમાંથી મળેલી મંજૂરી અનુસાર ફોર્મ ભર્યાં હતાં. તેમના ચહેરા પણ રિટર્નિંગ અધિકારીની કચેરીએ લાવતી વખતે ઢાંકી દેવામાં આવ્યા હતા. 

આંદેકરના વકીલે મીડિયાને કહ્યું હતુું કે અદાલતે આંદેકરને પરવાનગી આપી છે તે મુજબ તેણે ભવાનીપેઠ વોર્ડ ઓફિસે આવીને ફોર્મ ભર્યું છે. 

ઉલ્લેખનીય છે ેગઈ પાંચમી સપ્ટેમ્બરે આયુુષ કોમકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આયુષ કોમકરના પિતા ગણેશ કોમકર પર બંડુ આંદેકરના પુત્ર તથા એનસીપીના કોર્પોરેટર વનરાજ આંદેકરની હત્યાનો આરોપ હતો.  આમ બનેવી દ્વારા સાળાની હત્યા થઈ હતી તેનો બદલો લેવા માટે નાનાએ દૌહિત્રની હત્યા કરતાં આ બે પરિવારો વચ્ચેની ગેંગવોરે સમ્રગ મહારાષ્ટ્રમાં ખળભળાટ મચાવી  દીધો હતો.