પુણેમાં 200 અને 500 ની નકલી નોટો છાપતી ટોળકી પકડાઈ
28 લાખ રુપિયાના મૂલ્યની નકલી નોટો મળી
આરોપી ઘરમાં પ્રિન્ટર ગોઠવીને નકલી નોટો છાપતો હતોઃ બે મહિલા સહિત પાંચની ધરપકડ
મુંબઈ - પુણેના શિવાજી નગર વિસ્તારમાં બેંકમાંથી નકલી નોટો જમા થયા હોવાનો ખુલાસો થતા પોલીસે નકલી નોટો છાપતી ટોળકીનો પર્દાફાશ કરતા બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી હતી. વધુમાં તેમની પાસેથી ૨૮ લાખની રુ. ૨૦૦ અને પ૦૦ ની નકલી નોટો જપ્ત કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, શિવાજી નગર પોલીસે આ કેસમાં ૩૫ વર્ષીય મનીષા થાણેકર, ૩૪ વર્ષીય ભારતી ગાવંડ, ૩૫ વર્ષીય સચિન યમગર, ૪૨ વર્ષીય નરેશ શેટ્ટી, ૩૮ વર્ષીય પ્રભુ ગુગલેજેદ્દીની ધરપકડ કરી હતી.
શિવાજી નગર વિસ્તારની બેન્કમાં ૨૦૦ રુપિયાની પંચાવન નકલી નોટા મળવા અંગે ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસ પૂછપરછમાં નોટ જમા કરાવનારે મનીષા થાણેકર દ્વારા વ્યક્તિગત લોનની ચૂકવણી તરીકે મળેલી નોટો જમા કરાવી હોવાનો ખુલાસો થયો હતો. આ ખુલાસા બાદ પોલીસે મનિષાને કસ્ટડીમાં લીધી હતી .
પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે મનીષાએ ખાનગી બેંકો અને સામાન નાણાંકીય સેવાઓ પાસેથી લોન મેળવવાના વ્યવસાયમાં હતી. પોલીસે તેની પાસેથી ૧૦૦ નકલી રુ. ૨૦૦ની નોટો જપ્ત કરી હતી. તપાસ દરમિયાન આરોપી ભારતીનું નામ બહાર આવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરતા ભારતી પાસેથી બસોની ત્રણસો નોટો જપ્ત કરી હતી. પૂછપરછ દરમિયાન બહાર આવેલી માહિતી અનુસાર સચિનને પકડી પાડ્વામાં આવ્યો હતો. આ ત્રણેય લોકોએ કોલ્હે નામના શખ્સ પાસેથી આ નકલી નોટો મેળવી હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસ કરતા નરેશ જ કોલ્હે તરીકે નામ બદલીને કામ કરતો હોવાનું સામે આવ્યું હતું.
આ બાદ પોલીસે લોહગાંવ વિસ્તારમાં નરેશના ઘર પર દરોડો પાડયો હતો. જેમાં પોલીસને તેના ઘરમાંથી રુ. ૨૦૦ની નકલી નોટોના ૨૦ થી વધુ બંડલો અને રુ. પ૦૦ની નકલી નોટો મળી આવી હતી. વધુમાં ઘરમાંથી પ્રિન્ટર, શાહી, નોટ છાપવા માટેના કાગળો અને તેની કારની તપાસ કરતા તેમાંથી પોલીસને રુ. ૨૦૦ની ૬૪૮ નકલી નોટો તથા રુ. ૫૦૦ ની ત્રણ નકલી નોટો મળી આવી હતી. આ બાદ પ્રભુ જેદ્દીને આ નકલી નોટોના ઉત્પાદનમાં મદદ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
નરેશની પૂછપરછમાં એવો ખુલાસો થયો હતો કે આ ગેંગ રુ. એક લાખમાં બે લાખની નકલી નોટો આપતી હતી. તો આ ગેંગ અન્ય કેટલા લોકોની સંડોવણી છે વધુમાં તેમણે આ નકલી નોટો કોને કોને વેચી છે? વગેરે બાબતે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.