Get The App

ગાંધી સ્મૃતિ ભવન, કસ્તુરબા કિચન અને વર્ધા હાટને પુનઃસ્થાપિત કરાશે

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધી સ્મૃતિ ભવન, કસ્તુરબા કિચન અને વર્ધા હાટને પુનઃસ્થાપિત કરાશે 1 - image


હેરિટેજ વારસાના જતન માટે ગાંધીના ચાહકો આગળ આવ્યાં

આ જમીન ગાંધીજીને તેમના સહયોગી શેઠ જમનાદાસ બજાજ દ્વારા મળી હતી, ત્યાં ગાંધી અને ૧૨ બલુતેદારોની પ્રતિમા પણ સ્થપાશે 

મુંબઈ -  મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલાં કેટલાંક ઐતિહાસિક અને વારસાકીય સ્થળોમાં વર્ધા આશ્રમનો પણ સમાવેશ છે. જ્યાં ઘણાં લોકો તેની મુલાકાતે જતાં હોય છે. મહાત્મા ગાંધી ઈન્સ્ટિટયૂટ ઓફ રુરલ ઈન્ડસ્ટ્રીઅલાઈઝેશનએ મહારાષ્ટ્રના વર્ધામાં તેના કેમ્પસમાં સ્થિત ત્રણ વારસાગત માળખાં ગાંધી સ્મૃતિ ભવન, કસ્તુરબા કિચન અને વર્ધા હાટને પુનઃસ્થાપિત કરવા તૈયાર છે. 

ગાંધી સ્મૃતિ ભવન એ ગાંધીજીના નિવાસસ્થાન તરીકે જાણીતું છે અને તેની લાઈબ્રેરીને એક નિમજ્જન સંગ્રહાલય અને પ્રાર્થના હૉલમાં રુપાંતરિત કરાશે. તેમાં માળખાકીય સમારકામ, મૂલ્યવાન સંગ્રહોનું ડિજીટાઈઝેશન અને ગાંધીજીની વિચારધારા ધરાવતું ઈન્ટરેક્ટિવ પ્રદર્શન તથા સમર્પિત ધ્યાનક્ષેત્ર પણ હશે.

ગાંધી સ્મૃતિ ભવનની બાજુમાં આવેલું કસ્તુરબા રસોડું, જ્યાં આશ્રમ સમુદાય અને મુલાકાતીઓ માટે ભોજન તૈયાર કરાતું તેનું પણ મૂળ માળખાનું સમારકામ કરાશે.૧૯૩૬માં ગાંધીજી દ્વારા ઉદ્દઘાટિત વર્ધા હાટ, એક સમયની ધમધમતી બજાર હતી. તેને કારીગર સંકુલ તરીકે પુનઃસ્થાપિત કરાશે. તેના ક્ષતિગ્રસ્ત ભાગોનું પુનઃનિર્માણ, વેન્ટિલેશન, લાઈટિંગ જેવા માળખામાં સુધારો કરાશે.

મહાત્મા ગાંધીએ ૧૪ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ વર્ધામાં તેમના નજીકના સહયોગી શેઠ જનમાલાલ બજાજ દ્વારા દાનમાં મળેલી આ જમીન પર ઓલ ઈન્ડિયા વિલેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સ્થાપના કરી હતી. હવે અહીં માળખાકીય સમારકામ ઉપરાંત તેને હેરિટેજ સ્થળ તરીકે વિકસાવવા પર પણ ભાર અપાશે. મહાત્મા ગાંધી અને ૧૨ બલુતેદાર (ગ્રામ કારીગરો)ની પ્રતિમાઓ સ્થાપિત કરી તેમના મહત્ત્વને સમજાવતી ઈન્ટરેક્ટિવ તક્તીઓ ગોઠવાશે. સ્થાનિક ભોજન ધરાવતું કેફેટેરિયા અને ગાંધીવાદી થીમ આધારિત સ્મૃતિચિત્ર તથા શૌચાલયો અને પાર્કિંગ જેવી સુવિધા પણ ઊભી કરાશે.

ઉક્ત સંસ્થાએ ગુરુવારે ૧૮ મહિનાના આ પ્રોજેક્ટ માટે દિલ્હીના ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જે આ પ્રોજેક્ટ માટે મેનેજમેન્ટ સલાહકાર તરીકે સેવા આપશે.      


Tags :