લાંચ કેસમાં સસ્પેન્શને ફરજનો ગાળો ગણી લેવાની દલીલ ફગાવી
કેસની હકીકત,સંજોગો તથા સંબંધીત ઓથોરિટી દ્વારા લાગુ થતા નિયમો હેઠળની સત્તા પર નિર્ભર
મુંબઈ - ફોજદારી કેસમાંથી કર્મચારીની મુક્તિ થવા પર તેને આપમેળે પૂરા પગારે અને સસ્પેન્શનના કાળ માટેનો પગાર ચૂકવણીનો અધિકાર મળી જતો નથી. દરેક કેસની હકીકત અને સંજોગો તથા સંબંધીત ઓથોરિટી દ્વારા લાગુ નિયમો હેઠળની સત્તા પર નિર્ભર રહે છે એમ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું.
પાલિકા કર્મચારીએ પોતાના સસ્પેન્શન ગાળાને ફરજકાળ તરીકે ગણાવીને પગાર અને એલાવન્સ સાથે આપવાની માગણી સાથે અરજી કરી હતી. અરજદાર મુંબઈ મહાપાલિકામાં મેડિકલ ઓફિસર છે અને ૨૯ નવેમ્બર ૧૯૮૬ના રોજ સસ્પેન્ડ કરાયો હતો અને નવ મે ૧૯૯૦ના રોજ એસીબીએ લાંચના કેસમાં ધરપકડ કરી હતી. તેને બાદમાં મુક્તિ અપાઈ હતી અને સેવામાં લેવાયો હતો. મુક્તિ બાદ પાલિકાએ અરજદારનો સસ્પેન્શનનો કાળ ભરપગારે રજા, અડધી રજા અને પગાર વિનાની રજામાં ગણવાનો નિર્ણય લીધો હતો. અરજદારે દલીલ કરી હતી કે આખો ગાળો પૂરા પગાર અને એલાવન્સ સાથે ગણવામાં આવે.
કોર્ટે નિયમો તપાસ્યા હતા જેમાં સંબંધીત ઓથોરિટીએ સસ્પેન્શન ગાળા માટેનો પગાર અને એલાવન્સ નક્કી કરવાનું રહે છે એમ જણાવાયું હતું.
કેસમાંથી મુક્ત થયા હોવા માત્રથી સસ્પેન્શનનો કાળ અન્યાયકારી ગણી શકાય નહીં. લાંચ જેવા આરોપસર ધરપકડ થઈ હોય અને સસ્પેન્ડ કરાયો હોય તો માલિક પૂરા પગાર સાથે આર્થિક નુકસાન ભોગવી શકે નહીં ખાસ કરીને જ્યારે માલિકના કહેવાથી પગલાં લેવાયા નહોય.
આ કેસમાં અરજદારનું સસ્પેન્શન તેની પોતાની સંડોવણીને લીધે થયું હતું. ઓથોરિટીના નિર્ણયમાં કોઈ જોહુકમી કે ગેરકાયદેસરતા દેખાતી નહોવાનું જણાવીને કોર્ટે હસ્તક્ષેપ નકાર્યો હતો.


