Mumbai

એફટીઆઈઆઈનું સર્ટિ. ચાલતું નથીઃ અસરાનીએ ઈન્દિરા ગાંધીને રુબરુ કહ્યું હતું

By GS TEAM
22 Oct 20252 mins read
એફટીઆઈઆઈનું સર્ટિ. ચાલતું નથીઃ અસરાનીએ ઈન્દિરા ગાંધીને રુબરુ કહ્યું હતું

નિર્માતાઓ સર્ટિ ફેંકી  દેતા હતા, આખરે ઈન્દિરાએ દરમિયાનગીરી કરી

ગુડ્ડી ફિલ્મ ચાલ્યા બાદ પ્રોડયૂસરોને ફિલ્મ ઈન્સ્ટિ.ની તાલીમની કિંમત સર્જાઈ  ઃ ૫૮ વર્ષમાં ૩૫૦થી વધુ ફિલ્મોમાં અભિનય

મુંબઇ  -  ફિલ્મ જગતમાં ૫૮ વર્ષની પ્રદીર્ધ કારકિર્દી દરમ્યાન ૩૦૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કરી શાંતિપૂર્વક એક્ઝિટ લઇ ચૂકેલા  મશહૂર અભિનેતાએ ફિલ્મોમાં કામ મેળવવા ભારે સંઘર્ષ કરવો  પડયો હતો. તે જમાનમાં  બોલીવૂડના પ્રોડયૂસરોને ફિલ્મ એક્ટિંગની પણ તાલીમ હોય તેની કોઈ કદર ન હતી. અસરાનીએ ત્યારનાં માહિતી પ્રસારણ પ્રધાન ઈન્દિરા ગાંધીને રુબરુ કહ્યું હતું કે સરકારે આ તાલીમ સંસ્થા શરુ કરી છે પણ તેના આધારે કોઈ કામ આપતું નથી. આખરે ઈન્દિરાની દરમિયાનગીરી બાદ અસરાનીને કામ મળવું શરુ થયું હતું. 

થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં અસરાનીએ આ રસપ્રદ હકિકત જણાવી હતી. અસરાની પૂણેની ફિલ્મ  ઇન્ટિટયૂટમાંથી તાલીમ મેળવીને ગ્રેજ્યુએટ થયા પછી પોતાના સર્ટિફિકેટો લઇને ફિલમોમાં કામ મેળવવા માટે પ્રોડયુસરોની ઓફિસોના અને સ્ટૂડિયોના  ચક્કર કાપતા હતા. પણ બધેથી જાકારો મળતો. ફિલ્મવાળા કહેતા કે એફટીઆઇઆઇના સર્ટિફિકેટોને શું ધોઇ પીવા છે ?  અત્યારે  જે મોટા મોટા સ્ટાર છે એમાંથી કોઇએ  ફિલ્મ ઇન્સ્ટીટયૂટમાં તાલીમ નથી લીધી.  વાસ્તવમાં એ જમાનામાં  ફિલ્મ એક્ટિંગની પણ કોઈ પદ્ધતિસરની તાલીમ હોય અને તેનું પણ સરકાર સર્ટિફિકેટ આપે એવો કોઈ કન્સેપ્ટ લોકપ્રિય હતો જ નહિ. આથી બધેથી જાકારો મળતો હતો. અને અપમાન સહેવું પડતું હતું.

અસરાનીએ જણાવ્યું હતું કે આ વખતે ઇન્દિરા ગાંધી માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન હતા. ઇન્દિરા પુણએમાં  ફિલ્મ ઇન્સ્ટીટયૂટની મુલાકાતે આવ્યા ત્યારે અમે કહ્યું કે ફિલ્મની પદ્ધતિસરની  તાલીમ માટે સરકારે આવડી મોટી સંસ્થા સ્થાપી છે, પણ અમે બધા તાલીમ મેળવીને ગ્રેજ્યુએટ થયા છતાં કોઇ ફિલ્મોમાં કામ નથી આપતું.  ઈન્દિરા ગાંધીએ આ વાતની ગંભીર નોંધ લીધી હતી અને તેઓ મુંબઇ ગયા ત્યારે પ્રોડયુસરો અને ફિલ્મમેકરોને કહ્યું કે  તમારે એફટીઆઇઆઇના સ્નાતકોને ફિલ્મોમાં કામ આપવું જોઇએ.

ઇન્દિરા ગાંધીની ભલામણ પછી અસરાનીને પહેલી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો જેનું નામ હતું ગુડ્ડી 'ગુડ્ડી' જયા બચ્ચનની પણ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મની સફળતા અને ગુણવત્તા જોઈને બોલીવૂડના ત્યારના પ્રોડયૂસરોને અહેસાસ થયો હતો કે વાસ્તવમાં ફિલ્મ ઈન્સ્ટિટયૂટની તાલીમ લેનારા કલાકારો ખરેખર મંજાયેલા હોય છે. ત્યારબાદ આ ઈન્સ્ટિટયૂટના કલાકારોને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવકાર મળવા લાગ્યો હતો.  આ ફિલ્મમાં અસરાનીએ જે ભૂમિકા ભજવી તેને આધારે ધીમે ધીમે કામ મળવા માંડયું અને પછી તો અસરાની દંતકથારૃપ એક્ટર બની ગયા. તેમણે ૩૫૦થી વધુ હિંદી ફિલ્મોમાં કામ કર્યું. અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. જાતે ફિલ્મો  પ્રોડયૂસ કરી હતી અને નવી પેઢીના અનેક કલાકારોને  તૈયાર પણ કર્યા હતા. રઝા મુરાદે તેમને અંજલિ આપતાં કહ્યું હતું કે અસરાની અમારા ગુરુ હતા.