Mumbai

કબૂતરખાના બંધ કરાવવા સામે જીવદયા પ્રેમી જૈનો દ્વારા મોરચો

By GS TEAM
4 Aug 20252 mins read
કબૂતરખાના બંધ કરાવવા સામે જીવદયા પ્રેમી જૈનો દ્વારા મોરચો

હાઈકોર્ટના આદેશ પ્રમાણે બીએમસીની કાર્યવાહી પણ જીવદયા પ્રેમીઓ નારાજ

ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે મોરચો યોજાયોઃ ૮મીથી દાદર કબૂતરખાના  પાસે ઉપવાસની જૈનાચાર્ય નિલેશચંદ્રજી મહારાજની જાહેરાત

મુંબઇ: બોમ્બે હાઇકોર્ટના આદેશ અનુસાર મુંબઇ મહાપાલિકાએ શહેરના કબૂતરખાના સામે હાથ ધરેલી કાર્યવાહીના વિરોધમાં અહિંસાપ્રેમી જૈનોએ આજે ગેટવે ઓફ ઇન્ડિયાથી મહારેલી યોજી હતી. જૈનોએ આક્રમક વલણ અપનાવી કબૂતરખાના સામેની કાર્યવાહી તત્કાળ અટકાવવાની અપીલ કરી હતી.

દાદરના  દાયકાઓ જૂના કબૂતરખાના સામે મહાપાલિકાએ કાર્યવાહી શરૂ કરતા વ્યથીત જીવદયાપ્રેમી જૈનોએ રસ્તા પર ઉતર્યા હતા અને આક્રોશ વ્યક્ત કરવાની સાથે આ કાર્યવાહી અટકાવવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલનનો સંકેત આપ્યો હતો.  મુનિ નિલેશચંદ્રજી મહારાજે જીવદયાપ્રેમીઓને કરેલા આહવાનના પગલે આજે મોટી સંખ્યામાં જૈનો મહારેલીમાં જોડાયા હતા. મુનિશ્રીએ સંકલ્પ વ્યક્ત કર્યો છે કે સાતમી ઓગસ્ટ સુધી હાઇકોર્ટના કોઇ સકારાત્મક આદેશની હું રાહ જોઇશ, નહીંતર આઠમી ઓગસ્ટથી દાદર કબૂતરખાના પાસે અનશન શરૂ કરીશ. 

કબૂતરની વિષ્ટા અને પીંછાથી ફેફસાંના અને શ્વસનતંત્રના રોગો થતા હોવાથી બીએમસીએ હાઇકોર્ટના આદેશના પગલે  કબૂતરખાના બંધ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. શનિવારે પાલિકાના કર્મચારીઓએ દાદર કબૂતરખાનાને ચારે બાજુથી કવર કરવાની કામગીરી પોલીસ રક્ષણ હેઠળ શરૂ કરી હતી. આ વખતે મોટી સંખ્યામાં જૈન શ્રાવકો અને જીવદયાપ્રેમીઓ ભેગા થયા હતા. પરંતુ કોર્ટના આદેશને કારણે વિરોધ પ્રદર્શન નહોતું કર્યું. આ કાર્યવાહીને પગલે જૈનોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આજે સવારે  મુનિ નીલેશચંદ્રજી મહારાજ સાહેબની આગેવાનીમાં કોલાબા જૈન દેરાસરથી ગેટવે ઓફ ઇન્ડિયા સુધી મહારેલી યોજી હતી.

- બીએમસીની કાર્યવાહી સામે ખુદ મંત્રીનો પણ વિરોધ

મુંબઇ: કબૂતરખાનાં બંધ કરાવવાની બીએમસીની કાર્યવાહીનો ખુદ રાજ્ય સરકારના એક મંત્રી મંગલપ્રભાત લોઢાએ વિરોધ કર્યો છે અને હાઈકોર્ટના આદેશનો અનાદર ન થાય તે રીતે કોઈ વચલો માર્ગ કાઢવા મ્યુનિસિપલ કોર્પોરેશનને જણાવ્યું છે. 

 માત્ર કબૂતરને ચણ નાખવાથી જ બીમારી ફેલાય છે કે વાતાવરણમાં પ્રદૂષણને કારણે પણ આરોગ્યને નુકસાન થાય છે તેનો વિચાર થવો જોઇએ. પક્ષીઓને ચણ નાખવાની પરાપૂર્વથી ચાલી આવતી પ્રથા અચાનક બંધ કરાવવાની કાર્યવાહી કરવી એ કેટલી હદે યોગ્ય છે? સંબંધિત જીવદયાપ્રેમીઓ સાથે ચર્ચા- વિચારણા કર્યા વિના અને વિકલ્પ આપ્યા વિના આ રીતના પગલાં યોગ્ય ગણાય? એવો તેમણે સવાલ કર્યો છે. આ બાબતમાં કોર્ટની દેખરેખ હેઠળ નિષ્ણાતોની સમિતિ રચવા પણ તેમણે જણાવ્યું છે.