એનટીએનો મહત્ત્વનો નિર્ણય
ફેશિયલ રેકોગ્નિશન થકી પારદર્શકતા લાવવા તથા ગેરરીતિ રોકવાનો પ્રયાસ
મુંબઈ - નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬થી જેઈઈ, નીટ જેવી પ્રવેશ પરીક્ષાઓમાં પરીક્ષાર્થીનો ચહેરો ઓળખવા માટે ટેક્નોલોજીનો સહારો લેવાનું એનટીએએ નક્કી કર્યું છે. આથી ઉમેદવારોએ પણ અરજી ભરતી વખતે લાઈવ ફોટો અપડેટ કરવાનો રહેશે.
પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શકતા વધારવા અને ફસામણીના કિસ્સા રોકવા માટે આ સિસ્ટમનો ઉપયોગ કરાશે. આ નવા નિયમાનુસાર ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ લાઈવ ફોટો અપલોડ કરવો પડશે. આથી ફોર્મ ભરનારી વ્યક્તિ તે જ ઉમેદવાર છે કે કેમ તેની ખાતરી કરી શકાશે અને ફસામણીના કિસ્સા રોકી શકાશે.
કેન્દ્ર સરકારે સ્થાપેલી રાધાકૃષ્ણન સમિતિની શિફારસ મુજબ આ બદલાવ કરવામાં આવ્યો હોવાનું એનટીએ દ્વારા કહેવામાં આવ્યું છે. આ નિર્ણય લાગુ કરવા પહેલાં એનટીએ દ્વારા તેની પ્રાયોગિક ધોરણે તપાસ પણ કરવામાં આવી છે. દિલ્હીમાં કેટલાં પરીક્ષા કેન્દ્રોએ આધાર આધારિત ફેશિયલ રેકોગ્નિશન ઓથેન્ટિકેશન કરવામાં આવ્યું. આ પ્રયોગ યુઆઈડીએઆઈ, એનઆઈસી અને એનટીએના સંયુક્ત ઉપક્રમે કરાયો છે. જેમાં સફળતા મળતાં 'એનટીએ'એ ૨૦૨૬થી દેશભરના અન્ય પ્રમુખ પ્રવેશ પરીક્ષામાં પણ આ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.


