મરાઠી શીખવા બરાબર એક પખવાડિયાનો સમય
ચાલકોને મરાઠી લખતા-વાંચતા આવડે છે કે નહી તેનો તાગ મેળવવા માટે રાજ્યભરમાં ઈન્સ્પેક્શન
મુંબઈ - મહારાષ્ટ્રના તમામ પરવાનાધારક રિક્ષા ચાલકો અને ટેક્સી-ડ્રાઈવરોએ પહેલી મેએ મહારાષ્ટ્ર દિનથી જ ફરજિયાત મરાઠી ભાષા બોલાવી પડશે. જે રિક્ષા કે ટેક્સી ડ્રાઈવર પ્રાથમિક મરાઠી ભાષામાં વાત કરી નહીં શકે, તેમના પરવાના રદ્દ કરવામાં આવશે. એમ રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ઓટોરિક્ષા અને ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષાનું પ્રાથમિક જ્ઞાાન ફરજિયાત બનાવવા માટેના આદેશના અમલીકરણ માટે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી રાજ્યભરમાં ઝુંબેશ શરૃ કરવામાં આવશે.
ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાને નિવેદનમાં જણાવ્યું હતું કે પહેલી મેથી રિક્ષા-ટેક્સીના ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત બનાવવામાં આવશે. જે ચાલકોને મરાઠી બોલતા નહીં આવડે તેમનાં લાયસન્સ રદ્દ કરવામાં આવશે. કેટલાં ચાલકો મરાઠી બોલી શકે છે અને કેટલાં હજી મરાઠી બોલતા શીખ્યા નથી તેનો ક્યાસ કાઢવા માટે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની ૫૯ રિજનલ અને સબ-રિજનલ ઓફિસો દ્વારા રાજ્યભરમાં ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવશે. ડ્રાઈવરને મરાઠી લખતાં-વાંચતા આવડે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.
વાહનનું લાયસન્સ આપતી વખતે સ્થાનિક ભાષાનું જ્ઞાાન જરૃરી છે એ નિયમ પહેલેથી જ અમલમાં છે, એમ જણાવતા સરનાઈકે કહ્યું હતું કે મહામુંબઈ ક્ષેત્ર, છત્રપતી સંભાજી નગર અને નાગપુરથી અનેક પેસેન્જરોએ ફરિયાદ કરી હતી કે રિક્ષા કે ટેક્સીના ડ્રાઈવરો મરાઠી ભાષા સમજી નથી શકતા કે બોલી નથી શકતા. જે રાજ્યમાં વ્યવસાય કરતા હો એ રાજ્યની ભાષાનું જ્ઞાાન આવશ્યક છે. ભાષા ન આવડતી હોય તો શીખવી જોઈએ. દરેક વ્યક્તિને પોતાની માતૃભાષાનો ગર્વ હોય એ સ્વાભાવિક છે, પણ માતૃભાષાની સાથે રાજ્યની ભાષાને પણ સન્માન આપવું જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.
માત્ર રિક્ષા કે ટેક્સીના ચાલકોની જ મરાઠી ભાષા આવડે છે કે નહીં એ મુદ્દે તપાસ કરવામાં આવશે, એવું નથી, પણ જો કોઈ ઓફિસરે મરાઠી ભાષા આવડતી ન હોય છતાં કોઈ ડ્રાઈવરને લાયસન્સ આપ્યું હશે એવી જાણ થશે તો એ ઓફિસર સામે પણ આકરા પગલાં લેવાશે એમ પ્રધાને જણાવ્યું હતું.


