4 ડિસેમ્બરે નેવી ડેની ઉજવણી
સાગરી સીમાની સુરક્ષા ઉપરાંત સમગ્ર હિંદ મહાસાગરમાં સ્થિરતાની જવાબદારી નેવીની
મુંબઈ - ભારતીય નૌકાદળ સાગરી સીમા પરના કોઈ પણ પડકારોને પહોંચી વળવા, વ્યાપારી હિતની રક્ષા તેમ જ દેશની સુરક્ષા માટે સહાય સજ્જ રહે છે. દેશના પશ્ચિમી કાંઠે વેસ્ટર્ન નેવલ કમાન્ડના યુદ્ધ-જહાજો, સબમરીનો, એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરો સાગરી સરહદની હિફાઝત માટે સદાય તૈનાત રહે છે. એમ વેસ્ટર્ન નેવલ કમાન્ડના વડા વાઈસ એડમિરલ ક્રિષ્ના સ્વામીનાથને આજે જણાવ્યું હતું.
ચોથી ડિસેમ્બરે ગુરૃવારના રોજ નેવી-ડેની ઉજવણી પૂર્વેની પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું. છેલ્લાં એક વર્ષ દરમ્યાન નેવીએ ઓપરેશન સિંદૂર વખતે અને વિવિધ મિશનો પાર પાડતી વખતે ઉલ્લેખનીય કામગીરી બજાવી હતી.
વાઈસ એડમિરલે કહ્યું હતું કે દેશની આર્થિક સમૃદ્ધિ, વ્યૂહાત્મક સ્વતંત્રતા અને રાષ્ટ્રની સર્વગ્રાહી સત્તાનો સીધો સંબંધ સમુદ્ર સાથે જોડાયેલો છે. એટલે જ સાગરી સીમાની સુરક્ષા તેમજ દરિયાઈ વ્યાપાર વિનાઅવરોધ ચાલી શકે એ માટે નેવી અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આત્મનિર્ભર નૌકાદળ વિકસિત સમૃદ્ધ ભારતના દરિયાઈ સીમાડાનું રક્ષણ કરે છે. એટલું જ નહીં આપણી પાડોશમાં પણ શાંતિ જળવાય અને સ્થિરતા ટકી રહે એ દિશામાં પણ કામગીરી બજાવે છે અને એટલે જ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતીય નૌકાદળે મહત્ત્વનું સ્થાન મેળવ્યું છે.
નેવીએ કરાચી બંદર નષ્ટ કર્યું તેની યાદમાં 'નેવી-ડે'ની ઉજવણી
1971 ની ભારત-પાકિસ્તાન લડાઈ વખતે ભારતીય નૌકાદળે ૪થી ડિસેમ્બરે પાકિસ્તાનના સૌથી મહત્ત્વના કરાચી બંદર ઉપર પ્રચંડ હુમલો કરીને તબાહ કરી નાખ્યું હતું. દુશ્મન દેશના કેટલાય યુદ્ધ જહાજો ડૂબી ગયા હતા અને કરાચી પોર્ટ દિવસો સુધી સળગતું રહ્યું હતું. ૧૯૭૧ના યુદ્ધમાં ભારતના વિજયમાં કરાચી પરના હુમલાએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. એ ઐતિહાસિક દિવસની યાદમાં નેવી તરફથી દર વર્ષે ૪ ડિસેમ્બરે નેવી ડેની ઉજવણી કરવામાં આવે છે.


