58 લોકો છેતરાયા, મોટાભાગના બોરીવલીના રહીશો
હજુ વધુ ફરિયાદીઓ આગળ આવે તો છેતરપિંડીનો આંકડો વધશેઃ થાણાવાલા ગૂ્રપની બે કંપનીઓ સામે ફરિયાદ
મુંબઈ - દર મહિને બે ટકા વળતરની લાલચે ૫૮ રોકાણકારોએ ૧૦.૩ કરોડ રુપિયાથી વધુ ગુમાવ્યા હોવાના કૌભાંડ અંગે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબલ્યુ)એ તપાસ શરૃ કરી છે. છેતરાયેલા લોકોમાં મોટાભાગના બોરીવલીના રહીશો છે. પોલીસને શંકા છે કે વધુ ફરિયાદીઓ આગળ આવશે તો આ રકમ વધી શકે છે.
આ કેસ સૌપ્રથમ ૩૦ માર્ચે બોરીવલીના એમએચબી પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો હતો અને તેને આર્થિક ગુના શાખામાં ટ્રાન્શફર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી મનીષ શાહ અને તેના પરિવારના સભ્યોએ કુલ મળીને આશરે ત્રણ કરોડ રૃપિયાનું રોકાણ કર્યું હતું. જ્યારે ૧.૧ કરોડ રૃપિયા તેમને રિટર્ન મળ્યા હતા પણ આરોપીઓએ બાકીની રકમ પાછી આપી નહોતી.
પોલીસે બે માલિકી કંપનીઓ થાણાવાલ હેલ્થ મેનેજમેન્ટ અને થાણાવાલા ઈન્વેસ્ટમેન્ટ, તેમના માલિકો અને રોકાણકારોને યોજના રજૂ કરનારા બે અન્ય વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર આરોપીઓએ ૨૦૧૯ અને માર્ચ ૨૦૧૬ દરમિયાન અલગ- અલગ યોજનાઓ ચલાવી હતી. એક યોજનામાં તેઓએ રોકાણ પર માસિક બે ટકા ગેરેંટીકૃત વળતરની ખાતરી આપી હતી. બીજી યોજનામાં તેઓએ રોકાણકારોના પૈસાથી પ્રી-આઈપીઓ શેર ખરીદવાની ખાતરી આપી હતી અને કહ્યું હતું કે ભાવ વધે ત્યારે તેઓ નફો કરી શકે છે. ત્રીજી યોજના સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) વિશે હતી.
આ બાબતે એક અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાંક લોકો જેમને ડીમેટ ખાતામાં શેર મળ્યા ન હતા. તેઓ સતત રિફંડ માટે પાછળ પડયા અને તેમના પૈસા પાછા મેળવ્યા હતા પરંતુ કેટલાક લોકોને ન તો તેમનો હિસ્સો મળ્યા હતો કે ન તો તેના પૈસા પાછા મળ્યા હતા.
આ કેસની તપાસ જોઈન્ટ કમિશનર નિશીથ મિશ્રા, ડીસીપી સંગ્રામ નિશાનદાર, સિનિયર ઈન્સ્પેક્ટર દત્તાત્રય બકરે અને ઈન્સ્પેક્ટર સંજય માંજરેકરની આગેવાની હેઠળની એક ટીમ કરી રહી છે.
આરોપીઓ પર બીએનએસની વિવિધ કલમ, આઈટી એક્ટ, મહારાષ્ટ્ર પ્રોટેકશન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (એમપીઆઈડી), એકટ અને પ્રાઈઝ ચિટ્સ એન્ડ મની સર્કયુલેશન સ્કીમ (બેનિંગ) એકટ ૧૯૭૮ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.એક અધિકારીએ જણાવ્યું હતું કે આ કંપનીઓ સેબીમાં નોંધાયેલી નહોતી અને લોકો પાસેથી થાપણે એકત્રિત કરતી હતી.


