Mumbai

પુણે એરપોર્ટ પર 13 કિલો ગાંજા સાથે 2 મહિલા સહિત ચારની ધરપકડ

By GS TEAM
3 Sep 20251 min read
પુણે એરપોર્ટ પર 13 કિલો ગાંજા સાથે 2 મહિલા સહિત ચારની ધરપકડ

બેંગકોકથી આવેલા મુસાફરો ગાંજા સાથે ઝડપાયા

ટ્રોલી બેગમાં તીવ્ર ગંધ આવતા  તપાસમાં ૨૬ વેક્યુમ સીલબંધ પેકેટો મળી આવ્યા

મુંબઈ -  પુણે કસ્ટમ વિભાગની એક ટીમે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેંગકોકથી ગાંજાની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલ બે મહિલાઓ સહિત ચારની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ૧૩.૭ કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.

આ કેસમાં મુંબ્રાનો રહેવાસી ૨૪ વર્ષીય આલિયા અંસારી, ૨૩ વર્ષીય મોહમ્મદ અંસારી, પારડી વલસાડનો રહેવાસી ૨૯ વર્ષીય ઝાહીદુસૈન શેખ અને પાલઘરની રહેવાસી ૪૬ વર્ષીય ઝૈબુનિસા શેખની ધરપકડ કરવામાં આવી હતી.

કસ્ટમ અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, અંસારી અને શેખ આ ચારયે બેંગકોકથી પુણે એરપોર્ટ પર પહોંચ્યા હતા અને એરપોર્ટ પરથી બહાર નીકળી રહ્યા હતા. તે સમયે ટ્રોલી બેગમાંથી તીવ્ર ગંધ આવતા શંકાના આધારે કસ્ટમ્સ અધિકારીઓએ ચારેયનેે અટકાવ્યા હતા અને તેમના સામાનની સઘન તપાસ કરતા તેમાંથી ૨૬ વેક્યુમ સીલ બંધ ગાંજાના પેકેટો મળી આવ્યા હતા. જેમાં ૧૩.૭ કિલો ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું.

આ બાદ ચારેય આરોપી સામે નાર્કોટિક્સ કંટ્રોલ એક્ટ હેઠળ કેસ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં આ ગાંજો આરોપીઓ કોની પાસેથી લાવેલા અને અહીં કોને પહોંચાડવાના હતા તથા આ ગેંગમાં અન્ય કેટલાક લોકોની સંડોવણી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.