છ માસથી નેશનલ પાર્ક વિસ્તારમાં સક્રિય હતા
લોખંડના તારના ફાંસા ગોઠવી ફસાવતા હતા, ચામડી, દાંત કાઢી લેતા હતા
મુંબઈ - બોરીવલી સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન માં વન વિભાગના ગુપ્તચર અને વિશેષ ટાસ્ક ફોર્સ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દીપડાના શિકારમાં સંડોવાયેલા ચાર શખ્સોની પાલઘર તથા આસપાસના વિસ્તારોમાંથી ધરપકડ કરાઈ હતી.
શિકારીઓ લોખંડના તારના ફાંસા ગોઠવીને દીપડાઓને ફસાવતા હતા. એના આરોપીઓના મોબાઈલમાંથી મૃત દીપડાની ચામડી અને દાંત કાઢતા હોવાના વિડીયો મળી આવ્યા છે.
વન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી યેઉર રેન્જમાં દીપડાઓની ગતિવિધિ અચાનક ઓછી થઈ હોવાનું જણાયું હતું. બાતમીના આધારે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં જાણવા મળ્યું કે, એલ-૩૦ તરીકે ઓળખાતો પુખ્ત નર દીપડો, જે આ વિસ્તારમાં ખૂબ લોકપ્રિય હતો.તેનો શિકાર કરવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ દીપડાના નખ, દાંત અને ચામડીના આંતરરાષ્ટ્રીય ગેરકાયદે બજારમાં વેચાણ માટે આ કૃત્ય આચરતા હતા. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ ગેંગ છેલ્લા ૬ મહિનાથી ઉદ્યાનના અંદરના ભાગોમાં સક્રિય હતી.
મુખ્ય વન સંરક્ષક ના જણાવ્યા મુજબ, આ એક ગંભીર સંગઠિત ગુનો છે. આરોપીઓ વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ (વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ) ની કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગના અન્ય સભ્યોને પકડવા માટે તપાસ ત હાથ ધરાઈ છે.


