ગેટ-વે ઓફ ઇન્ડિયા પર રવિવારથી ચાર દિવસ બીટિંગ રિટ્રીટ
નેવી-વીકની નિમિત્તે આયોજન
નૌસેનિકોના ડ્રીલ, નેવી-બેન્ડની સુરાવલી, વિમાનોનું ફ્લાયપાસ્ટ અને હેલિકોપ્ટરના કરતબ જોઈ શકાશે
મુંબઈ : ભારતીય સાગરી સીમાનું રક્ષણ કરતા નૌકાદળ તરફથી નેવી-વીકની શાનદાર ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત રવિવારથી બુધવાર દરમિયાન સાંજના સમયે ગેટ-વે ઓફ ઇન્ડિયા પર બીટિંગ રિટ્રીટ સેરીમની યોજાશે.
ગેટવે ઓફ ઇન્ડિયા પર સાંજે પાંચ વાગ્યે નેવી બેન્ડની સુરાવલી, નૌસૈનિકોની ડ્રીલ અને જાંબાઝ જવાનોના કરતબો જોઈ શકાશે. આ દરમિયાન નેવીની એવિયેશન પાંખના વિમાનો ગેટવે પરથી નીચી ઉંચાઈએ ઉડ્ડયન કરી ફ્લાય-પાસ્ટ કરશે. આ સાથે જ નેવીના હેલિકોપ્ટરો મધદરિયે કઈ રીતે શોધ અને બચાવની કામગીરી કરે છે તેનું ડેમોન્સ્ટ્રેશન કરશે. ત્યાર પછી ઢળતા સૂર્યની સાક્ષીએ નેવી બેન્ડની રેલાતી સૂરાવલી સાથે સન-સેટ સે સેરીમની સાથે સમાપન થશે.
નેવી-વીક શા માટે ઉજવવામાં આવે છે
1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે ભારતીય નૌકાદળે 'ઓપરેશન ટ્રાઇડન્ટ' હાથ ધરી પાકિસ્તાનના કરાચી બંદર ઉપર ચોથી ડિસેમ્બરે પૂરી તાકાતથી હુમલો કર્યો હતો. નેવીના યુદ્ધ-જહાજોએ કરાચી પોર્ટને ઘેરી લીધું હતું અને આકાશમાં ચકરાવા લેતા નેવીના પ્લેન અને હેલિકોપ્ટરોએ વિનાશક હુમલો કરીને કરાચી બંદરને નેસ્તનાબૂદ કરી નાખ્યું હતું. પાકિસ્તાન નેવીના વોરશિપ્સ ડૂબાડયા હતા અને પોર્ટ પર ભારે ખાનાખરાબી થઈ હતી. ઓપરેશન ટ્રાઇડન્ટે પાકિસ્તાનના પરાજય અને ભારતના વિજય પાછળ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આ દિવસની યાદમાં ૪ ડિસેમ્બરે નેવી-ડે અને નેવી વીકની ઉજવણી કરવામાં આવે છે.