આલિયા ભટ્ટ સાથે 77 લાખની છેતરપિંડી કરનારી માજી સેક્રેટરી વેદિકા ઝડપાઈ
- હાઈકોર્ટમાંથી પણ આગોતરા જામીન ન મળ્યા, બેંગ્લુરથી પકડાઈ
- નકલી બિલો પર સહી કરાવી ઉચાપત: ભાંડો ફૂટયા બાદ પુણે, રાજસ્થાન, કર્ણાટક ભાગતી ફરતી હતી
મુંબઇ : બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે ૭૭ લાખ રુપિયાની છેતરપિંડી કરનારી તેની ભૂતપૂર્વ સેક્રેટરી વેદિકા પ્રકાશ શેટ્ટી બેંગ્લુરુથી ઝડપાઈ ગઈ છે. વેદિકાને બેંગ્લુરુથી મુંબઈ લાવવામાં આવી છે. તેણે આલિયા ભટ્ટની ફિલ્મ પ્રોડક્શન કંપની ઈટર્નલ સનસાઈન પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ તથા આલિયાના પર્સનલ એકાઉન્ટસમાં ગોટાળા કરી આ ઉચાપત કરી હતી.
આ છેતરપિંડી મે, ૨૦૨૨ અને ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન કરવામાં આવી હતી. આલિયાની માતા સોના રાઝદાને ગત જાન્યુઆરીમાં આ છેતરપિંડી વિશે જાણ થયા બાદ પોલીસ ફરિયાદ કરી હતી. સોની રાઝદાન આલિયાની કંપનીમાં એક ડાયરેક્ટર છે. ત્યારથી આરોપી વેદિકા શેટ્ટી શહેર છોડીને ભાગી ગઇ હતી. તે પુણે, રાજસ્થાન, કર્ણાટકમાં છુપાઇ હોવાનું કહેવાય છે. પરંતુ અંતે બેંગલુરુમાં ઝડપાઇ ગઇ હતી. તેણે અગાઉ આ કેસમાં આગોતરા જામીન મેળવવા પણ પ્રયાસ કર્યા હતા. પરંતુ, ગત મેમાં સેશન્સ કોર્ટે તેનની આગોતરા જામીન અરજી ફગાવવી દીધી હતી. તે પછી તેણે બમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ, ગત જૂનમાં હાઈકોર્ટે પણ તેની અપીલ ફગાવી દીધી હતી. તેને પગલે વેદિકાની ધરપકડનો માર્ગ મોકળો બની ગયો હતો. જૂહુ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ આરોપી વેદિકા પ્રકાશ શેટ્ટીની મંગળવારે બેંગલુરુથી ધરપકડ કરી પાંચ દિવસની ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઇ લાવવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસને તપાસ દરમિયાન માલૂમ પડયું કે શેટ્ટી ૨૦૨૧થી ૨૦૨૪ સુધી આલિયાની સેક્રેટરી તરીકે કામ કરતી હતી. તે કથિત રીતે ફેક ઇન્વોઇસ તૈયાર કરી આલિયાની સહી કરાવતી હતી.
આરોપી શેટ્ટી આલિયાને કહેતી હતી કે ઇન્વોઇસ અભિનેત્રી દ્વારા પ્રવાસ, મીટિંગ્સ અને વિવિધ ખર્ચના હતા. આલિયા તેના પર વિશ્વાસ મૂકી ઇન્વોઇસ પર સહી કરી દેતી હતી. વેદિકા બાદમાં આ રકમ શેટ્ટી તેના નજીકના મિત્રને આપતી હતી. તે જમા થયેલી રકમ પાછી શેટ્ટીના ખાતામાં ટ્રાન્સફર કરતી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે શેટ્ટીની અહીં કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે તેને ગુરુવાર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.