માજી નેવી અધિકારી અને કોચિંગ સંચાલકને 3 વર્ષની જેલ

એલડીસીની ભરતીના ૨૦૧૦ના પેપર લીકેજ કેસમાં ચુકાદો
લોજમાં ઉમેદવારોને ટયુશન પણ અપાયું હતું ઃ આરોપીઓને રૃ.૫૦ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો
મુંબઈ - મુંબઈની એક ખાસ સીબીઆઈ કોર્ટે મંગળવારે ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી સહિત બે વ્યક્તિઓને નૌકાદળમાં લોઅર ડિવિઝન ક્લાર્ક (એલડીસી) ની ભરતી માટે પરીક્ષાના પેપર લીક કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા તેમને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે.
૨૦૧૦ના કેસમાં ચુકાદો આપતાં કોર્ટે કહ્યું હતું કે ભરતી પ્રક્રિયામાં ચેડા થતાં તેની દૂરગામી અસર પડી હતી. તેથી, આવા ગુનાઓ સાથે કડક હાથે કાર્યવાહી કરવી પડશે. જોકે, આ કેસના અન્ય ચાર આરોપીઓને સ્પેશિયલ સીબીઆઈ જજ એ.વી. ખારકરે નિર્દોષ જાહેર કર્યા હતા.
દોષિત ઠેરવવામાં આવેલી બે વ્યક્તિઓમાં કોચિંગ સેન્ટર ચલાવતા રામબીર રાવત અને ભૂતપૂર્વ નૌકાદળ અધિકારી રમેશ સૈનીનો સમાવેશ હતો. તેમને ગુનાહિત કાવતરું, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો બનાવવા અને ખોટા દસ્તાવેજોને અસલી તરીકે ઉપયોગ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
કોર્ટે તેમને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી અને તેમને ૫૦,૦૦૦ રૃપિયાનો દંડ ભરવાનો નિર્દેશ આપ્યો હતો.
એલડીસી પરીક્ષામાં ગેરરીતિ અંગે વિશ્વસનીય માહિતીના આધારે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ તપાસ શરૃ કરી હતી.
સીબીઆઈ દ્વારા રજૂ કરાયેલા ખાસ સરકારી વકીલ સંદીપ સિંહનો દાવો હતો કે આરોપીએ પરીક્ષામાં ગોટાળા કરવા માટે ગુનાહિત કાવતરું ઘડયું હતું.આરોપીઓએ કથિત રીતે પ્રશ્નપત્ર લીક કર્યું હતું અને મુંબઈની એક લોજમાં ઉમેદવારોને ટયુશન આપ્યું હતું.
સીબીઆઈ અધિકારીઓ દ્વારા ૨૫-૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૦ ની રાત્રે મુંબઈના એક લોજ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં પ્રશ્નપત્રો અને રોકડ સહિત ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા.
બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે ફરિયાદ પક્ષનો કેસ સંપૂર્ણપણે સાંયોગિક પુરાવા પર આધારિત છે.
તેમણે દલીલ કરી હતી કે ફરિયાદ પક્ષ સ્વતંત્ર રીતે સાંકળમાં રહેલી કડીઓ સાબિત કરવામાં અને પુરાવાઓની સાંકળ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો છે, જે નિર્ણાયક રીતે આરોપીના અપરાધ તરફ નિર્દેશ કરે છે.
કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા પછી અને રેકોર્ડ પરના દસ્તાવેજોની તપાસ કર્યા પછી ચુકાદો આપ્યો કે ફરિયાદ પક્ષ દ્વારા સાબિત થયેલા સંજોગો આરોપી રાવત અને સૈનીના દોષ તરફ નિર્ણાયક રીતે નિર્દેશ કરે છે.
જોકે, ફરિયાદ પક્ષ અન્ય ચાર આરોપીઓ સામે વાજબી શંકાઓ ઉપરાંત કેસ સાબિત કરી શક્યો નહીં, એમ કોર્ટે નોંધ્યું હતું.









