પોલીસને લાફો મારવા બદલ માજી ધારાસભ્યને 1 વર્ષની કેદ

ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં લાફો માર્યો હતો
ભાજપના નેતા રાવ સાહબે દાનવેના જમાઈ હર્ષવર્ધન જાધવ દોષિત ઠર્યા
મુંબઈ - પોલીસ અધિકારીની મારપીટના ૨૦૧૪ના કેસમાં માજી ધારાસભ્ય હર્ષવર્ધન રાઈભાન જાધવને ૨૦૧૪માં એક વર્ષની જેલની સજા કરવામાં આવી છે.
ભાજપના નેતા અને માજી કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેના જમાઈ જાધવે નાગપુર પોલીસ ઈન્સ્પેક્ટરને લાફો માર્યો હોવાનો આરોપ છે. અગાઉ મહારાષ્ટ્ર વિધાનસભામાં કન્નડ મતદારસંઘનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ શિવસેના, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને શિવ સ્વરાજ્ય પક્ષના વિવિધ સમયે સભ્ય રહી ચૂક્યા છે.
ડિસેમ્બર ૨૦૧૪માં એક હોટેલમાં એ વખતના શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ યોજેલી બેઠકમાં ઈન્સ્પેક્ટર પરાગ જાધવને કથિત રીતે લાફો માર્યો હતો, એમ સોનેગાંવ પોલીસ સ્ટેશને અગાઉ જણાવ્યું હતું.
તેમને કામચલાઉ જામીન અપાયા હતા પણ સુનાવણીમાં હાજર નહીં રહેતાં કોર્ટે ધરપકડનું વોરન્ટ જારી કર્યું હતું.
કોર્ટમાં હાજર રહેતાં કોર્ટે ધરપકડ કરીને અદાલતી કસ્ટડી આપી હતી. ત્યાર બાદ તેઓ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. બાદમાં જામીન પર મુક્તિ અપાઈ હતી. સરકારી પક્ષે જાધવ સામેનો કેસ પુરવાર કરતાં કોર્ટે એક વર્ષની કેદ અને દસ હજારનો દંડ ફટકારાયો હતો. દંડ નહીં ભરતાં વધુ ત્રણ મહિનાની જેલ ભોગવવાની રહેશે.








