અદાલતે હિતેશ મહેતાને મુખ્ય આરોપી ગણાવ્યા
આથક ગુનાઓમાં ટ્રાયલ પૂર્ણ થતાં સમય લાગતો હોય છે આથી લાંબી કેદની દલીલ પર જામીન ન મળે
મુંબઈ - મુંબઈની એક કોર્ટે ગુરુવારે બેંકમાં રૃ. ૧૨૨ કરોડના કૌભાંડમાં ધરપકડ કરાયેલા ન્યુ ઈન્ડિયા કોઓપરેટિવ બેંકના ભૂતપૂર્વ જનરલ મેનેજર હિતેશ મહેતાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમને આ કેસમાં મુખ્ય આરોપી ગણાવ્યા હતા.
કોર્ટે નોંધ્યું હતું કે આથક ગુનાઓમાં આરોપીને જામીન આપવા માટે લાંબી કેદનો આધાર ન હોઈ શકે કારણ કે આવા કેસોમાં ટ્રાયલ પૂર્ણ થવામાં સમય લાગે છે.
બેંકના ભૂતપૂર્વ જનરલ મેનેજર અને એકાઉન્ટ્સ હેડ મહેતા, પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ધિરાણકર્તાના અનામત ભંડોળમાંથી ભંડોળના કથિત દુરુપયોગના મુખ્ય શંકાસ્પદ છે.
જામીન અરજીની સુનાવણી કરનારા એડિશનલ સેશન્સ જજ વિક્રમ જગદાલેએ નોંધ્યું હતું કે કેસની ચાર્જશીટ અને પોલીસ રિપોર્ટના અવલોકન પરથી સ્પષ્ટ થયું છે કે એક વર્ષથી વધુ સમયથી જેલમાં રહેલા મહેતા મુખ્ય આરોપી છે.
કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દેતા પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ જનરલ મેનેજરે લગભગ ૧૨૨ કરોડ રૃપિયાની રકમ ઉચાપત કરવા માટે બનાવટી અને ખોટા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તૈયાર કર્યા હતા જેમાં ડેબિટ નોટ અને મૂલ્યવાન બેંક બોન્ડનો સમાવેશ થતો હતો.
લાંબા કેદના દાવા પર, કોર્ટે સ્વીકાર્યું કે મહેતા ફેબુ્રઆરી ૨૦૨૫થી જેલમાં છે. પરંતુ કોર્ટે ટિપ્પણી કરી કે જામીન આપવાનું કારણ બની શકે નહીં કારણ કે કોઈ પણ એ હકીકતને ભૂલી ન શકે કે આથક ગુનાઓમાં જ્યારે અસંખ્ય આરોપીઓ અને સાક્ષીઓ હોય છે ત્યારે ટ્રાયલ શરૃ થવા અને સમાપ્ત થવામાં સમય લાગે છે.
ન્યાયાધીશે વધુમાં કહ્યું કે કોર્ટ ગુનાની પ્રકૃતિ, તીવ્રતા અને રકમને અવગણી શકે નહીં.
મધ્ય મુંબઈમાં બેંકની પ્રભાદેવી ઓફિસમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણ બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો.
શરૃઆતમાં, અધિકારીઓએ પ્રભાદેવી ખાતે રૃ. ૧૧૨ કરોડની રોકડ રકમ અંગે પૂછપરછ કરી હતી, જે પાછળથી બેંંકની કસ્ટડીમાંથી રૃ. ૧૨૨ કરોડ ગુમ થઈ ગઈ હતી, જેમાં ગોરેગાંવ ઓફિસમાં મળી આવેલી રોકડ રકમનો પણ સમાવેશ થાય છે.
મહેતા પર તેમના સાથીદારો સાથે મળીને બેંકમાંથી ભંડોળની ઉચાપત કરવાનો આરોપ લાગ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.


