એલ્ગાર પરિષદ કેસમાં દિલ્હીના ભૂતપૂર્વ પ્રોફેસર હનીબાબુને જામીન

5 વર્ષથી જેલમાં હતા, હજુ આરોપો પણ ઘડાયા નથી
સુપ્રીમમાં અપીલ માટે આદેશ પર સ્ટેની એનઆઈએની માંગ ફગાવાઈઃ યુએન રિલિજયસ ફ્રીડમ રીપોર્ટમાં બાબુના કેસનો ઉલ્લેખ
મુંબઈ - હાઈ-પ્રોફાઇલ એલ્ગાર પરિષદ કેસમાં આરોપી, દિલ્હી યુનિવસટીના ભૂતપૂર્વ એસોસિયેટ પ્રોફેસર હની બાબુને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે ટ્રાયલ વિના પાંચ વર્ષથી વધુ સમય સુધી જેલમાં રહેવાના આધારે જામીન આપ્યા હતા.
આ વર્ષે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં કેસની સુનાવણી પૂર્ણ કરનાર જસ્ટિસ એએસ ગડકરી અને આરઆર ભોંસલેની ડિવિઝન બેન્ચે ગુરુવારે બાબુને મુક્ત કરવાનો અને એટલી જ રકમની શ્યોરિટી સાથે એક લાખ રૃપિયાના વ્યક્તિગત બોન્ડ ભરવાનો આદેશ આપ્યો.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ હાઇકોર્ટને આ આદેશ પર સ્ટે મૂકવા વિનંતી કરી હતી જેથી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકાય, પરંતુ બાબુ જેલમાં કેટલો સમય વિતાવી ચૂક્યા છે અને ટ્રાયલ ટૂંક સમયમાં પૂર્ણ થવાની શક્યતા નથી તે કારણ આપીને તેને નકારી કાઢવામાં આવી હતી.
એનઆઈએએ જુલાઈ ૨૦૨૦ માં ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરના રહેવાસી એસોસિયેટ પ્રોફેસર હની બાબુ મુસાલિયારવીટીલ થરાઇલેની ધરપકડ કરી હતી. યુનિવસટીના અંગ્રેજી વિભાગમાં કામ કરતા ૫૯ વર્ષીય બાબુને ત્યારથી તલોજા જેલમાં રાખવામાં આવ્યા છે.
બાબુના વકીલેે જામીન માટે દલીલ કરી હતી કે આરોપો હજુ ઘડવામાં આવ્યા નથી અને ડિસ્ચાર્જ અરજી હજુ પણ ટ્રાયલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.
વકિલે કહ્યું હતું કે આઠ સહ-આરોપીઓને સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા અને તેથી, બાબુ પણ ટ્રાયલ વિના લાંબા સમય સુધી કેદમાં રહેવાના આધારે જામીન મેળવવાનો હકદાર છે.
બાબુની ધરપકડનો ઉલ્લેખ યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જેલમાં તેમના રોકાણ દરમિયાન તેમને યોગ્ય તબીબી સારવાર આપવામાં આવી ન હતી.
એનઆઈએએ હની બાબુ પર સહ-ષડયંત્રકારી હોવાનો આરોપ લગાવ્યો છે જે પ્રતિબંધિત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી(માઓવાદી)ના નેતાઓના નિર્દેશો હેઠળ માઓવાદી પ્રવૃત્તિઓ અને વિચારધારાના પ્રચારમાં સંડોવણી હતી.
આ કેસ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ પુણેના શનિવારવાડામાં કબીર કલા મંચ દ્વારા આયોજિત એલ્ગાર પરિષદ કાર્યક્રમ દરમિયાન લોકોને ઉશ્કેરવા અને ઉશ્કેરણીજનક ભાષણો આપવાનો છે, જેના કારણે વિવિધ જાતિ જૂથો વચ્ચે દુશ્મનાવટ વધી હતી અને હિંસા થઈ હતી જેના પરિણામે જાનમાલનું નુકસાન થયું હતું અને મહારાષ્ટ્રમાં રાજ્યવ્યાપી આંદોલન થયું હતું.

