Get The App

241 કરોડનાં જમીન વળતર કૌભાંડમાં બીડના માજી કલેક્ટરની ધરપકડ

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
241  કરોડનાં જમીન વળતર  કૌભાંડમાં બીડના માજી કલેક્ટરની ધરપકડ 1 - image

વળતરના ૧૫૪ ઓર્ડરો જારી થયા હતા

અવિનાશ પાઠકની બદલી થાય પછી પણ તેમના નામ, સહી સાથે વળતરની બહાલીઓ અપાઈ હતી

મુંબઈ  -       મહારાષ્ટ્રના બીડ જિલ્લાના ભૂતપૂર્વ કલેક્ટર  અને ૨૦૧૩ની બેચના આઈએએસ અધિકારી અવિનાશ પાઠકની રૃ.૨૪૧ કરોડના કથિત જમીન સંપાદન વળતર કૌભાંડના સંબંધમાં પોલીસે ગુરુવારે  ધરપકડ કરી હતી.

    પોલીસના જણાવ્યા અનુસાર બીડના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં પાઠક સહિત ૧૦  વ્યક્તિઓ વિરુદ્ધ જમીન સંપાદન વળતરના ખોટા આદેશોના આરોપસર કેસ નોંધવામાં આવ્યો હતો.

   પોલીસે કહ્યું  હતું કે બીડ જિલ્લામાંથી તેમની બદલી થયા પછી પણ પાઠકના નામ, હોદ્દા અને બનાવટી સહીઓનો ઉપયોગ કરીને નકલી વળતર મંજૂરીઓ જારી કરવામાં આવી હતી.

    લાતુરના વતની પાઠક  અગાઉ કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન લાતુરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ કલેકટર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે ધારાશિવ જિલ્લામાં જમીન સંપાદન અધિકારી તરીકે પણ કામ કર્યું હતું.

   આ મામલાની તપાસ માટે નિયુક્ત સમિતિ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ મુજબ ૧ માર્ચ, ૨૦૨૫થી ૧૭  એપ્રિલ,૨૦૨૫ સુધીના સમયગાળામાં  તત્કાલીન કલેક્ટર પાઠકના નામ, હોદ્દો અને સહીનો ઉપયોગ કરવામાં આવેલા બનાવટી આદેશોના ૧૫૪  કેસ પ્રકાશમાં આવ્યા હતા.

    આ ૧૫૪ કેસોમાં  આશરે ૨૪૧.૬૨ કરોડ રૃપિયાના વધારાના વળતર માટે બનાવટી ઓર્ડર તૈયાર કરવામાં આવ્યા હતા.

    પાઠક પર ભારતીય ન્યાય સંહિતાની સંબધિત  કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.  તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો સામેલ હતી.

   લાતુર પોલીસની મદદથી બીડની ટીમે પાઠકને લાતુરના હટ્ટે નગર વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી. ધરપકડની કાર્યવાહી આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ  પોલીસ  વેંકટરામન (આઈપીએસ) ના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી હતી.