Get The App

સાઉથ મુંબઈમાં વિદેશી યુ ટયુબર યુવતીનો પીછો કરી સતામણી

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
સાઉથ મુંબઈમાં વિદેશી યુ ટયુબર  યુવતીનો પીછો કરી સતામણી 1 - image

યુવતીએ સોશિયલ મીડિયા  પર વિડીયો શેર કરતાં પોલીસ દોડતી થઈ

બે મહિનાથી ભારતમાં એકલી ફરું છું પરંતુ આવો અનુભવ  નથી થયોઃ બે પુરુષોએ પીછો કરી ફોટા માટે હેરાન કરીઃ ગુનો દાખલ

મુંબઈ - મુંબઈમાં વિદેશથી આવેલી એક મહિલા પ્રવાસીએ સોશિયલ મીડિયા પર  પોતાની સતામણીનો અનુભવ શેર કર્યો હતો.   મુંબઈના રસ્તા પર બે પુરુષો સતત તેનો પીછો કરતા હતા અને સતત ના પાડવા છતાં તેની સાથે ફોટા લેવા માંગતા હોવાનું વિદેશી મહિલાએ જણાવ્યું હતું. જેના કારણે પોલીસે બંને શખ્સ સામે પીછો કરી ત્રાસ આપવાનો કેસ દાખલ કર્યો હતો.

    એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે આ ઘટના દક્ષિણ મુંબઈમાં દિવસના સમયે બની હતી, પરંતુ તેના ચોક્કસ સમય અને સ્થળની વિગતો આપવામાં આવી નથી.

     આ મહિલાની ઓળખ ઈનેસ ફારિયા તરીકે થઈ છે, તે એક યુટયુબર છે અને છેલ્લા બે મહિનાથી ભારતમાં મુસાફરી કરી રહી છે.

     તેણે  ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વિડીયોમાં બે પુરુષો સતત તેની પાછળ જતા અને તેની સાથે ફોટા લેવા દબાણ કરતા જોઈ શકાય છે.મહિલા  વારંવાર ના પાડતી હોવા છતાં બંને લગભગ ૧૫ મિનિટ સુધી તેનો પીછો કરતા રહ્યા હતા.

     પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બે આરોપી  તેનો પીછો કરતા હતા અને તેના ઇનકાર છતાં તેની સાથે ફોટા પાડવાનું કહેતા રહ્યા હતા. વીડિયોમાં બંનેના ચહેરા કેદ થયા છે, પરંતુ તેમની ચોક્કસ ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

  ઇન્સ્ટાગ્રામ પેજ પર વિડીયો સાથે પોસ્ટ કરેલી એક નોંધમાં ફારિયાએ લખ્યું હતું કે  ભારતમાં મારી સાથે આવું પહેલી વાર બન્યું હતું, હું અહીં બે મહિનાથી છું. મારો મોટાભાગનો અનુભવ સારો રહ્યો છે. પરંતુ તે દિવસ અલગ હતો.

   મેં ઘણી વાર ના પાડી હોવા છતાં પણ તેઓ આમારો પીછો કરતા રહ્યા, ફોટા લેવા માંગતા હતા.તે મને યોગ્ય લાગ્યું નહીં,તેઓ ખૂબ જ દબાણ કરતા હતા. તેઓ ૧૫  મિનિટથી વધુ સમય સુધી અમારો પીછો કરતા રહ્યા અને તે ખરેખર ત્રાસદાયક  લાગવા લાગ્યું હતું.તેમને દૂર કરવા મને ધક્કો મારવો પડયો હતો.કોઈની મરજીની વિરૃઘ્ધનું  વર્તન નહીં કરવાનું સમજાવવા માટે વારંવાર ના કહી હતી.

     આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબધિત કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

   જોઈન્ટ  કમિશનર ઓફ પોલીસ(કાયદો અને વ્યવસ્થા) સત્યનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ અને ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન ૩) આ કેસની  તપાસ શરૃ કરી છે.આ મામલામાં યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

      પોલીસ હાલમાં આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે.