Mumbai

કરચોરીનો કેસને લીધે જ વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ ન મૂકી શકાયઃ હાઈકોર્ટ

By GS TEAM
13 Sep 20252 mins read
કરચોરીનો કેસને લીધે  જ વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ  ન  મૂકી શકાયઃ હાઈકોર્ટ

વિદેશ પ્રવાસ પણ મૂળભૂત અધિકાર હોવાની દલીલ માન્ય રાખી

કસ્ટમ ડયુટી ચોરીના કેસમાં  આરોપી  ઉદ્યોગપતિને ફર્નિચર મેળા માટે પેરિસ જતા અટકાવવાની અરજી ફગાવાઈ

મુંબઈ -  બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં જ ઠરાવ્યું હતું કે કોઈ વ્યક્તિ સામે કરચોરીનો કેસ  પેન્ડિંગ ે હોય તેટલા ખાતર જ થઈને  આરોપી વ્યક્તિને વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાનો કોઈ આધાર નથી  જસ્ટિસ  એસ.એમ. મોડકની બેન્ચે કસ્ટમ ડયુટી ચોરીના આરોપોનો સામનો કરી રહેલા ફર્નિચર ઉદ્યોગપતિને વિદેશ પ્રવાસ કરવાથી રોકવાનો ઇનકાર કરતી વખતે આ અવલોકન કર્યું હતું.

વિદેશ પ્રવાસ કરવાનો અધિકાર મૂળભૂત અધિકાર તરીકે માન્ય છે.  કોઈ વ્યક્તિ કાર્યવાહીનો સામનો કરી રહી છે, તેનો અર્થ એ નથી કે જ્યાં સુધી તપાસ પ્રગતિમાં  હોય અથવા ફોજદારી કેસ પેન્ડિંંગ  હોય ત્યાં સુધી તે વિદેશ પ્રવાસ કરી શકતો નથી,એમ કોર્ટે ત્રીજી  સપ્ટેમ્બરના તેના ચુકાદામાં જણાવ્યું હતું.

આરોપી ફાલ્ગુન યોગેન્દ્ર શ્રોફ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ), મુંબઈ દ્વારા કસ્ટમ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેના પર ફનચરની આયાત કરતી વખતે કસ્ટમ ડયુટી ચોરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો.

ડીઆરઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ શરત એ હતી કે ધરપકડની તારીખથી છ મહિના સુધી તેમનો પાસપોર્ટ જમા કરાવવામાં આવશે, જે તેમણે પાળ્યું હતું. આ કેસની સુનાવણી દરમિયાન તેમને વિદેશ પ્રવાસ કરતા પહેલા ટ્રાયલ કોર્ટની પરવાનગી મેળવવાનું પણ કહેવામાં આવ્યું હતું.

બાદમાં, શ્રોફે પેરિસમાં ફનચર મેળામાં હાજરી આપવા માટે વિદેશ જવાની પરવાનગી માટે અરજી દાખલ કરી. ડીઆરઆઈના વાંધાઓ છતાં, ટ્રાયલ કોર્ટે તેમની વિનંતી મંજૂર કરી હતી. ડીઆરઆઈએ હાઈકોર્ટમાં આ અરજીને પડકારી પુરાવા સાથે ચેડાં થવાની શંકા વ્યક્ત કરી હતી. જોકે, શ્રોફ વતી દલીલ કરાયી હતી કે વિદેશ પ્રવાસ કરવો તે મૂળભૂત અધિકારનો ભાગ છે. 

અદાલતે શ્રોફને બે લાખના રોકડ જામીન જમા કરવા આદેશ આપ્યો હતો. તથા મુસાફરી દરમિયાન કોઈ નિકાસકારનો સંપર્ક નહિ કરવા પણ સૂચવ્યું હતું. જેથી પુરાવા સાથે ચેડાંનો મુદ્દો ઉપસ્થિત થાય નહિ.