સમલૈંગિકો માટે હવે પાર્ટી અને કાર્યક્રમના સ્થળોએ એચઆઇવી ટેસ્ટીંગ સુવિધા
- શરમાળ પ્રકૃતિના લોકો માટે આવા સ્થળોએ વિશિષ્ટ ટેસ્ટીંગ વાન રાખવામાં આવશે
મુંબઇ, તા. 6 જૂન 2019, ગુરુવાર
સુપ્રીમ કોર્ટે સમલૈંગિક સંબંધોને માન્યતા આપ્યા બાદ હવે સમલૈંગિકોએ રાહતનો શ્વાસ લીધો છે. તેમ છતા આજે પણ ઘણા શરમાળ પ્રકૃતિના યુવકો લોકો તેમને જાણી જશે તેવા ભયથી અથવા અન્ય કારણસર એચઆઇવી ટેસ્ટ કરવાથી દૂર રહે છે. તેથી હવે આ લોકો માટે વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત હવે એલજીબીટીક્યુ (લેસ્બિટન, હે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સ્જેન્ડર, ક્વિયર) સમુદાયના લોકો માટે તેમની પાર્ટી અથવા કાર્યક્રમના સ્થળોએ એચઆઇવીની વિશિષ્ટ ટેસ્ટીંગ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ માટે આવા સ્થલોએ વિશિષ્ટ ટેસ્ટીંગ વાન રાખવામાં આવશે. આ પ્રકારનો પહેલો અખતરો શહેરની એક ફાઇવસ્ટાર હોટલમાં કરવામાં આવ્યો હતો. જેમા એક 'ગે' પાર્ટીમાં જોડાયેલા લગભગ ૬૯ લોકોએ ટેસ્ટીંગ કરાવ્યું હતું.
સામાન્ય રીતે એચઆઇવીનું ટેસ્ટીંગ હેલ્થ સેન્ટરમાં કરવામાં આવે છે. જ્યાં સંબંધિત વ્યક્તિને સલાહ આપી તેમનું કાઉન્સેલિંગ (પરામર્શ) પણ કરવામાં આવે છે. આ કાઉન્સેલિંગ એલિઝાટેસ્ટ પૂર્વે અને પછીથી કરવામાં આવે છે. આ પદ્ધતિ ૨૦૧૩ પછી સમલૈંગિક સંબંધો ગેરકાયદે ગણવામાં આવતા (કલમ ૩૭૭ હેઠળ) ધરપકડની બીકે આ લોકો દૂર રહેવા લાગ્યા હતા. આ સંદર્ભે કાર્યરત એક એનજીઓના જણાવ્યાનુસાર આ હાઇરિસ્ક પોપ્યુલેશન માટે કોમ્યુનિટી બેઝડ વ્યવસ્થા રેપિડ ટેસ્ટ કીટની મદદથી ઉત્તમ પુરવાર થઇ શકે છે. આ એનજીઓ દ્વારા સમુદાયના લોકો માટે જરૂરી માહિતી, પરામર્શ તેમજ માનસિક સ્વાસ્થ્યની જાળવણી સંબંધી માળખું ઉપલબ્ધ કરી આપવામાં આવ્યું છે. આ એનજીઓના એક ઉચ્ચાધિકારી મુજબ વર્ષ ૨૦૧૩માં ૩૭૭ કલમ સંબંધી નિર્ણયને લીધે એચઆઇવી કાર્યક્રમને પણ વ્યાપક અસર પહોંચી હતી. ઘણા લોકો ધરપકડની બીકે છૂપાઇ ગયા હતા. ત્યારથી એચઆઇવી સંબંધી સેવાઓને પણ અસર પડી છે.