Mumbai

મુંબઈની ફૂલ બજારમાં દશેરાના મુહૂર્તમાં વિક્રમી ભાવે ફૂલોનું વેચાણ

By GS TEAM
2 Oct 20251 min read
મુંબઈની ફૂલ બજારમાં દશેરાના મુહૂર્તમાં વિક્રમી ભાવે ફૂલોનું વેચાણ

અતિવૃષ્ટિ અને પૂરને લીધે ફૂલોની ખેતીને પણ ભારે નુકસાન

ગલગોટાના ફૂલ ૩૦૦ રૃપિયે કિલો - છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન રોજ ૩૦ કરોડના ફૂલોનું વેચાણ

મુંબઈ -  મહારાષ્ટ્રમાં ઠેર ઠેર અતિવૃષ્ટિ અને પૂરની પરિસ્થિતિમાં જુદા જુદા પાકની સાથે ફૂલોની ખેતીને પણ ભારે ફટકો પડતા દશેરાના તહેવાર ટાણે બજારમાં ફૂલોની આવકમાં ધરખમ ઘટાડો થતા ભાવ આસમાને ગયા હતા. ગલગોટાના ફૂલ ૩૦૦ રૃપિયે કિલોના વિક્રમી ભાવે વેચાયા હતા.

દાદરની સૌથી મોટી ફૂલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે આ માર્કેટના ઇતિહાસમાં પહેલી જ વખત ગલગોટાના ફૂલ ૩૦૦ રૃપિયે કિલો વેંચાયા હતા. વરસાદમાં ભીના થઈ ગયેલા ફૂલ પણ ૧૦૦થી ૧૫૦ રૃપિયે વેચાંયા હતા.

ફૂલોની આવક ઘટયા છતાં અને કિંમત વિક્રમી સપાટીએ પહોંચી હોવા છતાં સાડાત્રણ મૂહુર્ત પૈકી એક વિજ્યા દશમીના મૂહુર્તમાં દરેકના ઘરો ઉપર ગલગોટાના ફૂલ અને આસોપાલવના પાંદડાના તોરણો લાગ્યા હતા. દાદર ફૂલ માર્કેટ એસોસિયેશનના હોદ્દેદારે જણાવ્યું હતું કે વધુ કિંમત છતાં ફૂલોની ખરીદીમાં લોકોનો ઉત્સાહ ટકી રહ્યો હતો.

માસાહેબ મીનાતાઈ ઠોકરા મંડઈ ૨૫૦-૩૦૦ નાના વેપીરોના સ્ટોલ આવેલા છે. કવિ કેસવસૂત પૂલ નીચે ૨૫-૩૦ નાની દુકાનો આવેલી છે. આ વખતે પણ છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન રોજનું ૨૫થી ૩૦ કરોડના ફૂલોનું વેૈચાણ થયું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મુંબઈની બજારમાં વસઈ-વિરાર, પાલઘર, પુણે, બેલગામ અને બેંગ્લોરથી રોજેરોજ લગભગ ૪૦૦ ટ્રક ભરીને ફૂલો ઠલવાતા હતા.