નાંદેડ-લાતુરમાં 11 ઈંચ વરસાદથી પૂરપ્રકોપઃ આર્મીમ મદદે

નદીઓ ગાંડીતૂર, ડેમ અને જળાશયો છલકાયાં, રસ્તા બંધ
વરસાદી પૂરમાં ફસાયેલાં ૬૭૯ વિદ્યાર્થીઓને અને ૪૦ શિક્ષકોને બચાવી લેવાયાં ઃ ઠેર ઠેર રેસ્ક્યૂ ઓપરેશન
મુંબઈ - મહારાષ્ટ્રના નાંદેલ અને લાતુર જિલ્લામાં ૧૧ ઈંચ વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં આર્મી મદદે ેબોલાવાઈ છે. વરસાદી પાણીના કારણે અટવાયેલાં ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ તથા ૪૦ શિક્ષકોનું સલામત સ્થળાંતર કરાવાયું હતું. જિલ્લાઓમાં અન્યત્ર ઠેર ઠેર પૂરમાં ફસાયેલા લોકોને બચાવાયા હતા.
હવામાન વિભાગે આજે ૨૯, ઓગસ્ટે લાતુર અને નાંદેડ જિલ્લામાં મુશળધાર વરસાદ(યલો એલર્ટ)ની આગાહી કરી હતી. રાજ્યના મરાઠવાડા વિસ્તારના ૧૩૦ રેવન્યુ સર્કલ્સમાં શુક્રવાર સવાર સુધીમાં ૬૫ મિલિમીટર જેટલો ભારે વરસાદ વરસ્યો છે. નાંદેડ જિલ્લાના કંદાર તાલુકાના બરુલ સર્કલમાં શુક્રવાર સવાર સુધીમાં ૨૭૫ મિલિમીટર, તુપ્પા અને તારોડા સર્કલ્સમાં ૨૬૭ મિલિમીટર જેટલો મુશળધાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે.
લાતુર અને નાંદેડ જિલ્લાની કલેક્ટર ઓફિસનાં અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે ભારે તોફાની વરસાદથી નદીઓમાં પૂર ઉમટયાં છે. જિલ્લાના ૫૦ માર્ગ અને બ્રીજ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. અમારા જવાનોએ અને સ્થાનિક નાગરિકોએ શીરુર અનંતપાલ,અહમદપુર તાલુકામાં ભારે વરસાદમાં ફસાઇ ગયેલાં ૧૦ લોકોને બચાવી લીધાં છે.
શીરુર અનંતપાલ તાલુકામાં પાંચ નાગરિકો નદી તરફના એક શેડમાં ફસાઇ ગયાં હતાં, જ્યારે ત્રણ નાગરિકો ઘારની નદી પર બંધાઇ રહેલા બ્રીજના બાંધકામના સ્થળે અટવાઇ ગયાં હતાં.એક વ્યક્તિ અહમદપુર તાલુકાના કાળેગાંવના સરોવર નજીક પણ ધસમસતા વરસાદી પૂરમાં ફસાઇ ગઇ હતી. આ તમામ નાગરિકોેને સહીસલામત રીતે ઉગારી લેવાયાં છે.
મકણી ગામમાં એક વ્યક્તિ બ્રીજ પરથી વહેતાં વરસાદી પૂરમાં તણાઇ ગઇ હતી. ગામનાં બહાદુર અને સજાગ લોકોએ તે વ્યક્તિને ઉગારી લીધી હતી. તે વ્યક્તિને જોકે થોડી ઇજા પણ થઇ હોવાથી તેને સારવાર માટે શીરુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર ઓફિસનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે શ્રીકાર વર્ષાને કારણે મહારાષ્ટ્રના નીળંગા -- ઉદગીર -- ધાણેગાંવ પટ્ટાનો હાઇ વે નં.૨૩૮ પણ બંધ કરી દેવાયો છે.વળી, શીરુર નજીકની મનજારા નદી પણ ગાંડીતૂર થઇને બેકાંઠે વહી રહી હોવાથી નદી પરનો બ્રીજ પણ બંધ કરી દેવાયો છે.
નીળંગે તાલુકાના શેળગી ગામમાં ગયા ગુરુવારે મધરાતે વીજળીના પ્રચંડ પ્રહારથી પાંચ ઢોરનાં મૃત્યુ થયાં હતાં.
બીજીબાજુ ગયા ગુરુવારે સાંજે ચાકુર તાલુકામાં આવેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બીએસએફ)ના કેમ્પ પાસેની કેન્દ્રિય વિદ્યાલય સ્કૂલમાં ભરાઇ ગયેલાં વરસાદી પાણીમાં ફસાઇ ગયેલાં ૬૭૯ વિદ્યાર્થીઓ --વિદ્યાર્થિનીઓને અને ૪૦ શિક્ષકોને પણ બીએસએફના જવાનોએ સહીસલામત રીતે ઉગારી લીધાં હોવાના સમાચાર મળે છે.
નાંદેડ જિલ્લાના કલેક્ટર રાહુલ કાર્દીળેએ એવી માહિતી આપી છે કે બેસુમાર વરસાદથી જિલ્લાનાં ઘણાં જળાશયો છલકાઇ ગયાં છે. ઘણાં ગામમાં તો વરસાદી પાણી પૂરની જેમ ધસમસી ગયાં છે.ખાસ કરીને જિલ્લાના વિષ્ણુપુરી ડેમના સ્રાવ વિસ્તારમાં ભારે વર્ષા થઇ રહી હોવાથી નાંદેડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોેને સલામત સ્થળે લઇ જવાશે. આવી ચિંતાજનક સમગ્ર પરિસ્થિતિમાં નાંદેડ જિલ્લામાં બચાવકાર્ય માટે લશ્કરની મદદ લેવામાં આવી છે.
મનજારા નદી પરના ડેમના દરવાજા ૦.૫ મીટર સુધી ખોલી નાખવામાં આવ્યા છે. પરિણામે આજે સવારે ડેમમાંથી ૧૦,૪૮૨ ક્યુસેક્સ જેટલું પાણી છોડવામાં આવ્યું છે. હાલ રાજ્યના મરાઠવાડા વિસ્તારની ૧૧ સિંચાઇ યોજનામાં સરેરાશ ૯૩.૭૨ ટકા જેટલી જળરાશિ જમા થઇ છે.









