Mumbai

12 ઈંચ વરસાદ સાથે મીઠીમાં પૂરઃ મુંબઈ મેઘરાજાના બાનમાં

By GS TEAM
20 Aug 20252 mins read
12 ઈંચ વરસાદ સાથે  મીઠીમાં પૂરઃ મુંબઈ મેઘરાજાના બાનમાં

શાળા-કોલેજો, સરકારી અને ખાનગી કચેરીઓ,બજારો બધું જ બંધ 

રસ્તાઓ નદીમાં ફેરવાયા, ફલાઈટ, ટ્રેનો, બેસ્ટ બસો પણ ઠપ થતાં મુંબઈ થંભી ગયું ઃ મીઠી કાંઠેથી સેંકડોનું સ્થળાંતર ઃ હજુ ૪૮ કલાક ક્રિટિકલ

મુંબઇ -  મુંબઈમાં ૨૪ કલાકમાં વધુ ૧૨ ઈંચ વરસાદ સાથે છેલ્લા ચારપાંચ દિવસથી જાણે વરસાદી પૂરે શહેરને બાનમાં લીધું હોય તેવી હાલત સર્જાઈ છે. સતત પાંચ દિવસ અવિરત વરસાદ પછી મુંબઇ થંભી ગયું છે.  રસ્તા, રેલવે  ટ્રેક  અને  સબવેમાં પાણી ભરાઇ ગયા છે. ફલાઇટ્સ અને ટ્રેનો ખોરવાઇ છે., મીઠી નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા નદી કાંઠી રહેતા ૫૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવાાં આવ્યું છે. હજુ ૪૮ કલાક  પરિસ્થિતિ ગંભીર બની શકે છે તેવી ચેતવણી અપાઈ છે. 

શહેરમાં છેલ્લા પાંચ  દિવસથી વરસાદ અટકવાનું નામ લેતો નથી. રોજ આઠ ઈંચની સરેરાશથી નોંધાતાં વરસાદે મંગળવારે સવારના કલાકોમાં વધુ જોર બતાવ્યું હતું. સવારના ચારથી આઠ વાગ્યા સુધીના  છ કલાકમાં જ મોટાભાગના વિસ્તારોમાં છ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ૨૪ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ સામે મુંબઈનું ઈન્ફ્રાસ્ટ્રકચર જાણે છિન્નભિન્ન થઈ ગયું હતું. 

રોડ, રેલવે, ફલાઈટ, બેસ્ટ બસો, મોનો રેલ બધું જ ઠપ થતાં મુંબઈ થંભી ગયું હતું. મીઠી નદીમાં ૨૦ વર્ષ બાદ પૂર આવતાં ૫૦૦થી વધુનું સ્થળાંતર કરવું પડયું હતું. 

રેડ એલર્ટની આગાહીને પગલે અગાઉથી જ  શાળા કોલેજ તેમજ સરકારી અર્ધ સરકારી તેમજ ખાનગી ઓફિસોમાં પણ રજા જાહેર કરી દીધી હતી. મુંબઇમાં વૃક્ષ પડવાની, શોર્ટસર્કીટ  તથા દિવાલ પડી જવાની ઘટનાનો સિલસિલો યથાવત હતો. 

આજે સવારે મુંબઈનો ભાગ્યે  જ એવો કોઈ રસ્તો બચ્ચો હતો જ્યાં બેથી ચાર ફૂટ પાણી ન હોય. કુર્લા, વડાલા, દાદર, પરેલ, સાયન, ચેમ્બુર, ભાંડુપ, ઘાટકોપર, અંધેરી, મુલુંડ, બોરીવલી,સાકીનાકા, પવઈ સહિતના વિસ્તારોમાં માર્ગો પર વરસાદી પૂરની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. કેટલીય જગ્યાએ તો જાણે રીતસરની નદી વહેતી હોય તેમ હિલોળા મારતાં પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ લોકો ડઘાઈ ગયા હતા. શહેરના તમામ સબ વેમાં પાણી ભરાયાં હતાં. 

એરપોર્ટ પર વિઝિબિલિટી પૂઅર બનતાં બપોરના ૩.૩૦ સુધઈમાં ૨૫૩ ફલાઈટ મોડેથી રવાના થઈ હતી જ્યારે ૧૬૩ ફલાઈટોનાં આગમનમાં વિલંબ થયો હતો. આઠ ફલાઈટને સુરત, અમદાવાદ, હૈદરાબાદ ડાયવર્ટ કરાઈ હતી.